નર્મદા કેનાલ પર નિરીક્ષણમાં જોખમી જણાઈ આવેલા કુલ 5 પુલોને સંપૂર્ણપણે બંધ કરાયા

નર્મદા કેનાલ પર સ્થિત ૨,૧૧૦ પુલોનું સઘન વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરાયું –૩૬ પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ અપાઈ
Gandhinagar, ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલોના મરામત-સમારકામની કામગીરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપતા, રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલોની પણ ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ, ગુજરાતમાં ૧૭.૯૨ લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારને આવરી લેતું આશરે ૬૯,૦૦૦ કિ.મી. લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક ઉપલબ્ધ છે.
આ કેનાલ નેટવર્ક પરથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને ગામડાંના માર્ગોને જોડતા આશરે ૨,૧૧૦ જેટલા પુલ કાર્યરત છે. આ પુલોની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા, સંભવિત ક્ષતિઓને અટકાવવા તેમજ પુલના આયુષ્યને લંબાવવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ તમામ પુલોનું વ્યાપક વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ નિરીક્ષણ અભિયાનના તારણના આધારે, ટ્રાફિક માટે જોખમી જણાઈ આવેલા કુલ 0૫ પુલોને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. પુલની વાહક અને ભાર ક્ષમતાના આધારે અન્ય 0૪ પુલોને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ૩૬ પુલોને મરામતની જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. જ્યારે, નર્મદા કેનાલ પર સ્થિત બાકીના ૨,૦૬૫ નાના-મોટા પુલની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને સૂચના આપવામાં આવી છે.
સંપૂર્ણપણે બંધ કરાયેલા ૦૫ પુલ:
૧. મોરબી જિલ્લામાં માળિયા બ્રાંચ કેનાલ પર અજીતગઢ અને ઘંટીલા ગામને જોડતા રોડ પર સ્થિત પુલ.
૨. મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે ૧૫૧એ અને મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાંચ કેનાલ પર સ્થિત પુલ.
૩. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસે સ્થિત પુલ.
૪. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર-વણા ગામ પાસે સ્થિત પુલ.
૫. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેનો પુલ.
ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયેલા ૦૪ પુલ:
૧. અમદાવાદ જિલ્લામાં વલ્લભીપુર બ્રાંચ કેનાલ પર ફેદરા-બગોદરા અને ભાવનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત પુલ.
૨. અમદાવાદના નરોડા અને ગાંધીનગરના દહેગામને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.
૩. અમદાવાદ જિલ્લામાં રાયપુર અને મેદરાને જોડતા માર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.
૪. પાટણ જિલ્લાના સંતાલુર તાલુકામાં કચ્છ બ્રાંચ કેનાલ પર સીધાળા અને સુઈગામને જોડતા રોડ પર સ્થિત પુલ.
રાજ્યના નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત પરિવહન પુલો પર સતત ભારણ અને પર્યાવરણીય પરિબળોની અસર થતી રહે છે. આવા સમયે સંભવિત જોખમોને ઓળખવા અને તેને સમયસર દૂર કરવા માટે નિયમિત નિરીક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. એટલા માટે જ, પુલોનું નિરીક્ષણ અને સમારકામ એક સતત ચાલતી પ્રક્રિયાનો મુખ્ય ભાગ છે. ભવિષ્યમાં પણ નિયમિત નિરીક્ષણ અને સમયસર જાળવણી દ્વારા પુલોની સુરક્ષા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવામાં આવશે, તેમ સરદાર સરોવર નર્મદા નિગમના અહેવાલમાં જણાવાયું છે.