જાતિ આધારિત રાજકારણ કરતા પક્ષો દેશ માટે ખતરનાકઃ સુપ્રીમ

(એજન્સી)નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલિમીનની રાજકીય પક્ષ તરીકે થયેલી નોંધણી રદ કરવા માટે થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
જો કે આ સાથે કોર્ટે નોંધ્યું હતું કે, જાતિ આધારિત રાજકારણ પર નિર્ભર રહેતા પક્ષો દેશ માટે તેટલા જ ખતરનાક છે. જસ્ટિસ સૂર્ય કાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચે નોંધ્યું હતું કે, એઆઈએમઆઈએમના બંધારણ મુજબ તેનો હેતુ સમાજના દરેક પછાત વર્ગ માટે કામ કરવાનો છે અને તેમાં લઘુમતીનો પણ સમાવેશ થાય છે. બંધારણે લઘુમતિને કેટલાક અધિકારો આપેલા છે અને એઆઈએમઆઈએમના ઘોષણાપત્ર અથવા બંધારણમાં પણ બંધારણે આપેલા અધિકારોનું જતન કરવાનો ધ્યેય છે.
આમ, એઆઈએમઆઈએમનો હેતુ પણ બંધારણે સ્વીકારેલા ધ્યેયને અનુરૂપ છે. અરજદાર તરફથી એડવોકેટ વિષ્ણુ જૈને દલીલો કરી હતી. દિલ્હી હાઈકોર્ટ સમક્ષ અગાઉ તેમણે એઆઈએમઆઈએમની રાજકીય પક્ષ તરીકેની માન્યતા રદ કરવા અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાનું કે જાતિ આધારિત રાજકારણ રમવાનું ચૂકતા નથી અને આ દેશ માટે ખતરનાક છે. જો કે આ બાબતે સક્ષમ સત્તામંડળ સમક્ષ રજૂઆત થવી જોઈએ.