કોર્ટાેમાં શૌચાલયની સુવિધાના અભાવ મુદ્દે સુપ્રીમ લાલઘુમ

નવી દિલ્હી, દેશની કોર્ટાેમાં ટોયલેટ જેવી પાયાની સુવિધાની હાલત પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. બુધવારે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી કે દેશની ૨૫માંથી ૨૦ હાઇકોર્ટે હમણાં સુધી એ જણાવ્યું નથી કે તેમણે ટોયલેટની સુવિધા સુધારવા માટે કેવા પગલાં ભર્યા છે? સુપ્રીમ કોર્ટે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫એ તમામ હાઈકોર્ટ, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી હતી કે દરેક કોર્ટમાં પુરુષ, મહિલા, દિવ્યાંગ અને ટ્રાન્સજેન્ડર્સ માટે અલગ-અલગ ટોયલેટ હોવા જોઈએ. નાગરિકો માટે ઉચિત સ્વચ્છતાની સુવિધા એ બંધારણની કલમ ૨૧ની અંતર્ગત એક મૌલિક અધિકાર છે.
જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવને સુનાવણી દરમિયાન તમામ હાઈકોર્ટને રિપોર્ટ રજૂ કરવા માટે આઠ સપ્તાહનો સમય આપ્યો.
સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી કે જો આ વખતે રિપોર્ટ રજૂ ન કર્યાે તો હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે ખુદે સુપ્રીમમાં હાજર થવું પડશે. આ મામલો વકીલ રાજીબ કલિતાની જાહેર હિતની અરજી સંબંધિત છે. બેન્ચે કહ્યું હતું કે જીવનના અધિકારમાં સ્વસ્થ અને સ્વચ્છ જીવનના અધિકાર તથા સન્માનની સાથે જીવવાનો અધિકાર પણ સામેલ છે.SS1MS