પતિએ પત્ની સામે જ તેના પ્રેમી પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ , શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી જનપથ હોટલ પાછળ આવેલા ઇન્દિરાનગરમાં યુવકની હત્યા થઇ હતી. નારોલ વિસ્તારમાં રહેતા યુવકની પત્ની છેલ્લા સાત મહિનાથી અલગ રહેતી હતી.
પતિ અવારનવાર માર મારીને ત્રાસ આપતો હોવાથી તે છૂટાછેડા લીધા વિના બાળકો સાથે અલગ રહેતી હોવાનું પતિ અને પરિવારજનોને જણાવ્યું હતું. જોકે, પતિને શંકા જતા તેણે પત્નીનો પીછો કરીને કોની સાથે રહે છે તેની માહિતી મેળવી લીધી હતી.
ત્યારબાદ પત્ની જે મકાનમાં રહેતી હતી ત્યાં જઈને ઝઘડો કર્યાે હતો. દરમિયાન પત્નીનો પ્રેમી પણ બહાર આવતા તેને જોઇને આરોપીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને પત્નીની નજર સામે જ પ્રેમીની હત્યા કરી નાખી હતી. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સરખેજના ઈન્દિરાનગરમાં રહેતો ૩૦ વર્ષીય સરફરાઝ રંગરેજ ડેકોરેશનમાં નોકરી કરતો હતો.
સરફરાઝ સાતેક માસથી દિલસાદ નામની યુવતી સાથે લગ્ન કર્યા વગર રહેતો હતો. મંગળવારે રાત્રે સરફરાઝ અને દિલસાદ બાળકો સાથે સૂતા હતા ત્યારે કોઇએ દરવાજો ખખડાવતા દિલસાદે જાગીને દરવાજો ખોલ્યો ત્યારે તેનો પતિ ઝાકીર મેમણ છરી લઇને ઊભો હતો. ઝાકીર અને દિલસાદ વચ્ચે બોલાચાલી થતાં સરફરાઝ પણ જાગીને બહાર આવ્યો ત્યારે ઝાકીરે તેની સાથે ઝઘડો કરીને ધક્કો મારતા સરફરાઝ નીચે પડી ગયો હતો.
ઝાકીરે છરીથી હુમલો કરતા સરફરાઝ લોહીલુહાણ હાલતમાં સામેના ઘરમાં જતો રહ્યો હતો અને ત્યાં પડી ગયો હતો. સરફરાઝને બહાર ગલીમાં લાવવામાં આવ્યો ત્યારે ઝાકીર ફરાર થઇ ગયો હતો. ૧૦૮ એમ્બ્યૂલન્સને જાણ કરાતા ડોક્ટરની ટીમે તપાસીને સરફરાઝને મૃત જાહેર કર્યાે હતો.
સરખેજ પોલીસને જાણ થતાં હત્યાનો ગુનો નોંધી દિલસાદની પૂછપરછ કરી હતી. દિલસાદની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેનાં લગ્ન વર્ષાે પહેલા ઝાકીર સાથે થયા હતા અને લગ્ન જીવનમાં બે બાળક પણ છે, પરંતુ એકાદ વર્ષથી દિલસાદ અને ઝાકીર વચ્ચે બોલાચાલી ઝઘડા થતા હતા.
જેના કારણે દિલસાદ સાતેક માસ પૂર્વે પતિ ઝાકીરને છોડીને બાળકો સાથે અલગ રહેતી હતી. દિલસાદ લાંબા સમયથી ઘરે પરત ન આવતા ઝાકીરે તેને શોધવાનું શરૂ કર્યું હતું. દરમિયાનમાં દિલસાદ તેના પ્રેમી સરફરાઝ સાથે રહેતી હોવાની જાણ થતાં મંગળવારે રાત્રે જઇને સરફરાઝની હત્યા કરી હતી. સરખેજ પોલીસે આરોપી ઝાકીર મેમણ (રહે. શિખર એપાર્ટમેન્ટ, નારોલ)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS