Western Times News

Gujarati News

ભારતની સૌથી મોંઘી ફિલ્મ, ૪૦૦૦ કરોડમાં બનશે ‘રામાયણ’

મુંબઈ, રણબીર કપૂર અને યશ સહિતની કાસ્ટ, તેમાં થયેલાં ગ્રાફિક્સ અને ટેન્કોલોજીના ઉપયોગ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્‌સને લઇને તો ‘રામાયણ’ ચર્ચામાં છે જ. સાથે જ તેમાં અમિતાભ બચ્ચન, સાઇ પલ્લવી, સની દેઓલ, લારા દત્તા સહિતના કલાકારોની પ્રભાવશાળી કાસ્ટ છે. બે ભાગમાં બની રહેલી આ ફિલ્મ ભવ્ય તો હશે જ, હવે આ ફિલ્મના બજેટ અંગે પણ નવા અહેવાલો આવી રહ્યા છે.

જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મ લગભગ ૪૦૦૦ કરોડનાં બજેટમાં બની રહી છે, આમ તે ભારતીય ફિલ્મના ઇતિહાસમાં સૌથી મોંઘી ફિલ્મ બની જશે.તાજેતરમાં આ ફિલ્મના પ્રોડ્યુસર નમિક મલ્હાત્રાએ આ ફિલ્મના બજેટ અંગે કેટલીક વાતો જાહેર કરી છે.

પ્રાઇમ ફોકસ પ્રોડક્શનના સીઈઓ અને ‘ઇન્સેપ્શન’, ‘ઇન્ટરસ્ટેલર’ અને ડ્યુન જેવી ફિલ્મમાં રોકાણ કરનાર નમિત મલ્હાત્રાએ કહ્યું કે અમે કોઈ પાસેથી પૈસા લીધાં નથી, આ એક ઘણી મહત્વાકાંક્ષી ફિલ્મ છે.

તે તેમના માટે કેમ એક અંગત મિશન જેવી ફિલ્મ છે, તે અંગે વાત કરતા નમિત મલ્હાત્રાએ જણાવ્યું, “અમે અમારી ફિલ્મનો ખર્ચ અમારા પોતાના નાણાંમાંથી કરી રહ્યા છીએ. અમે જ્યારે છ-સાત વર્ષ પહેલાં, પેન્ડેમિક પછી અમે જ્યારે શરૂઆત કરી ત્યારે લોકોને લાગતું હતું કે અમે પાગલ છીએ.

અત્યાર સુધીમાં કોઈ ભારતીય ફિલ્મ આ બજેટની નજીક પણ આવી શકી નથી.”નમિત મલ્હાત્રાનો અંદાજ છે કે જ્યારે બંને ભાગ બની જશે, ત્યારે લગભગ ૫૦૦ મિલિયન ખર્ચ થશે, જે કેટલીક જાણીતી હોલિવૂડ ફિલ્મના ખર્ચ જેટલો છે. તેમણે આગળ જણાવ્યું, “અમે એક મહાન કહાણી માટે દુનિયાની સૌથી મોટી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ, એક એવું મહાકાવ્ય જે દુનિયાએ જોવું જોઈએ. હજુ પણ મને લાગે છે કે કેટલીક હોલિવૂડ ફિલ્મની સરખામણીએ આ ફિલ્મ ઘણી સસ્તી બની રહી છે.”

આવી મોટા બજેટની ફિલ્મ બનાવવાનાં સપનાની શરૂઆત અંગે વાત કરતા તેમણે કહ્યું કે બાળપણમાં તેમણે જુરાસિક પાર્ક ફિલ્મ જોઈ હતી, જેનાથી એક કાલ્પનિક પણ લોકોને વાસ્તવિક લાગે તેવી દુનિયાની શક્યતાએ તેમની કલ્પનાઓને પાંખો આપી.

તેમણે ક્યારેય કોઈ ફિલ્મ ડિરેક્ટ કરી નથી પરંતુ તેમણે એક વિશ્વ કક્ષાનું પોસ્ટ પ્રોડક્શન અને વિઝ્યુઅલ ઇફેક્ટ પાવરહાઉસ ખડું કર્યું છે, જેમાં કેટલીક ઓસ્કાર વિજેતા ફિલ્મ બનીને તૈયાર થઈ છે.

પરંતુ આ સપના સાથે ભારતીય ફિલ્મ માટે વિશ્વમાં સન્માનની ખામી પણ તેમને અકળાવતી હતી. નમિતે આ અંગે કહ્યું, “એમણે આપણી જે પણ ફિલ્મ જોઈ છે, તેમાં આપણે તકલીફનો ભોગ બનેલાં હોઈએ, આપણે ગરીબ હોઈએ અને હંમશા દુનિયાએ આપણી સાથે કમનસીબ લોકો જેવું જ વર્તન કર્યું છે.” દુનિયાના લોકો પોતાને ભારતીય ફિલ્મ સાથે જોડી શકતાં નહોતાં.

આ વાતથી જ નમિતને રામાયણ પર કામ કરવાનો જુસ્સો વધ્યો. તેઓ ઇચ્છે છે કે ભારતના આદ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને અત્યાર સુધીના સૌથી મહાન મહાકાવ્ય રૂપે તેઓ વિશ્વ સમક્ષ મુકે.અગાઉ જાહેર થયેલી રિલીઝ ડેટ મુજબ આ રામાયણનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળી પર અને બીજો ભાગ ૨૦૨૭ની દિવાળી પર રિલીઝ થવાનો છે.

હજુ પહેલો ભાગ રિલીઝ થવાને લગભગ એક વર્ષની વાર છે, તેમ છતાં જેમ જેમ આ ફિલ્મ વિશે વિવિધ પ્રકારના અહેવાલ આવતા જાય છે, તેમ તેમ ફિલ્મ અંગે લોકોની ઉત્સુકતા પણ વધતી જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.