ઝેલેન્સ્કીએ કેબિનેટમાં ફેરફાર કર્યા, સ્વિરીડેન્કોને પીએમ બનાવ્યાં

નવી દિલ્હી, રશિયા સામે આશરે ચાર વર્ષથી ચાલુ રહેલા યુદ્ધમાં રાષ્ટ્રને ઉત્સાહિત કરવાના એક પ્રયાસના ભાગરૂપે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કીએ ગુરુવારે તેમની કેબિનેટમાં મોટાપાયે ફેરફાર કરીને યુલિયા સ્વિરીડેન્કોને નવા વડાપ્રધાન બનાવ્યાં હતાં.
સ્વિરીડેન્કો યુક્રેનના આર્થિક બાબતોના પ્રધાન છે અને તેમને અમેરિકા સાથેની ખનિજ કરારમાં મુખ્ય વાર્તાકાર તરીકે ભૂમિકા ભજવી હતી. ૨૦૨૨માં રશિયાના આક્રમણની શરૂઆત પછી તેઓ સરકારના પ્રથમ નવા વડાપ્રધાન બન્યાં છે. ઝેલેન્સ્કીએ ગુરુવારે ટોચના સરકારી હોદ્દાઓમાં ફેરફાર કરવા માટે દરખાસ્ત કરી હતી.
તેમને યુક્રેનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા ડેનિસ શ્મીહાલના સ્થાને સ્વિરીડેન્કોની નિયુક્તિ કરી છે. શ્મીહાલને નવા સંરક્ષણ પ્રધાન બનાવવાયા છે. તેમણે અગાઉ વડાપ્રધાનના હોદ્દા પરથી રાજીનામાની જાહેરાત કરી હતી. સંરક્ષણ પ્રધાન તરીકેના તેમના નવા પદનો અર્થ એ છે કે તેઓ સરકાર છોડી રહ્યા નથી, પરંતુ તેના બદલે તેઓ કેબિનેટમાં એક શક્તિશાળી ભૂમિકામાં રહેશે.
યુદ્ધને કારણે આ મંત્રાલયનું ખૂબ મહત્વ છે.સંસદમાં કરેલા સંબોધનમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથે નવા કરારો થવાની અપેક્ષા છે અને તેનાથી યુક્રેનની સ્થિતિ મજબૂત બનશે. વોશિંગ્ટન સાથે રાજદ્વારી પ્રયાસ કરવા માટે આ ફેરફારો જરૂરી હતાં.
કેબિનેટમાં બીજા ફેરફારો અપેક્ષા મુજબ છે, પરંતુ વડાપ્રધાન તરીકે સ્વિરીડેન્કોની નિમણૂક ચર્ચાનું કેન્દ્ર બની હતી. સ્વિરીડેન્કોને પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીના વફાદાર અને એક મહેનતુ નેતા માનવામાં આવે છે.
ઝેલેન્સ્કીએ સ્વિરીડેન્કો અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન મંત્રી મિખાઈલો ફેડોરોવ સાથે એક ફોટો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આગામી છ મહિનામાં સ્થાનિક સ્તરે શસ્ત્રોના ઉત્પાદનમાં વધારો કરવા, તમામ પ્રકારના ડ્રોન માટે કરારો કરવા, આર્થિક સંભાવનાને બહાર લાવવા તથા સામાજિક સહાય યોજનાના લાભો લોકો સુધી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.SS1MS