વિદેશના વિઝાના બહાને ૧.૪૪ કરોડની ઠગાઇનો આરોપી બિહારથી ઝડપાયો

અમદાવાદ, શહેરના સેટેલાઇટ વિસ્તારમાં યુવક પાસેથી ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાના બહાને ૧.૪૪ કરોડ પડાવનાર આરોપીને પોલીસે બિહારથી ઝડપી લીધો છે. ત્યારબાદ આરોપીના ટ્રાન્જિટ રિમાન્ડ મેળવી અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
પછી તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ગ્રામ્ય કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. ૧.૪૪ કરોડની ઠગાઇ આચરવાના કેસમાં આરોપી વરુણ રવિન્દ્રપ્રસાદ કુમારને બિહાર ખાતેથી સેટેલાઇટ પોલીસે ઝડપી લીધો હતો.
ત્યારબાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ તુષાર બારોટે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યુ્ં હતું કે, આ મામલે હજુ ૧.૨૪ કરોડ રૂપિયા રિકવર કરવાના બાકી છે તે ક્યાં છે?, આરોપી પાસે ૨૯ વ્યક્તિઓની વિદેશ જવાની ફાઇલ ચાલતી હતી તે પૈકી કેટલા લોકો વિદેશ ગયા અને કેટલા સાથે ઠગાઇ આચરવામાં આવી?, આખુંય રેકેટ સુઆયોજીત રીતે ચાલતું હતું તો આરોપી સિવાય બીજું કોણ કોણ સંડોવાયેલું છે?, આરોપીએ બોગસ વિઝાના દસ્તાવેજ જાતે બનાવ્યા હતા કે કોઇ અન્ય વ્યક્તિ પાસે બનાવડાવ્યા હતા?, આરોપીએ આટલી મોટી રકમ મેળવ્યા બાદ તે રકમનો શું ઉપયોગ કર્યાે હતો?, આરોપીના બેંકમાં કેટલી રકમ છે અને તેમાં શું શું વ્યવહાર થયા છે, આરોપીએ આ રીતે કેટલા લોકો સાથે ઠગાઇ આચરી છે સહિતના મુદ્દાની તપાસ માટે દસ દિવસના રિમાન્ડની જરૂર છે.
જો કે, આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તપાસમાં સહકાર આપ્યો છે, જે જાણતા હતા તે જણાવી દીધું છે, પોલીસ જે મુદ્દે તપાસ કરવા રિમાન્ડ માગી રહી છે તેમાં આરોપીની હાજરીની કોઇ જ જરૂર નથી તેથી રિમાન્ડ ન આપવા જોઇએ.SS1MS