AMC એ સુરતની સિક્યોરિટી કંપનીને 50 હજારનો દંડ કર્યો, બે બાઉન્સરો હટાવાયા

AMCના બાઉન્સરોએ પત્રકારો સાથે ખરાબ વર્તણૂક કરાઈ હોવાની ફરિયાદ
પીવાનું પાણી, ગટરના પ્રશ્નો અને રસ્તાની ખરાબ હાલત અંગે અનેક મહિલાઓ રજૂઆત કરવા આવી હતી તેમની સાથે પણ દાદાગીરીઃ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરીમાં સરખેજ વિસ્તારમાં પીવાનું પાણી, ગટરના પ્રશ્નો અને રસ્તાની ખરાબ હાલત અંગે અનેક મહિલાઓ રજૂઆત કરવા આવી હતી. પ્રાથમિક સુવિધાઓ માટે ફરિયાદ કરવી પણ હવે સલામત નથી રહ્યો, કારણ કે કચેરીમાં સુરક્ષાના નામે મુકાયેલા બાઉન્સરોનું દાદાગીરીભર્યું વર્તન રહ્યું નથી.
આ ઘટના પછી ફરીથી સુરતની શક્તિ પ્રોટેકશન ફોર્સ કંપની સામે સવાલો ઊઠ્યા છે. દર વર્ષે કરોડો રૂપિયા પેમેન્ટ આપવામાં આવે છે છતાં કંપની તરફથી સુરક્ષા નામે માત્ર દાદાગીરી મળી રહી છે. સુરક્ષા કર્મચારીઓ નાગરિકો કે પત્રકારો સાથે જેમ મન આવે તેમ વર્તે છે, જવાબદારી તો તેમના શબ્દકોશમાં જ નથી. આ પહેલા પણ એવી જ અનેક ઘટનાઓ સામે આવી છતાં AMCનું તંત્ર આંખ મીંચીને બેઠું હતું.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સરખેજ વિસ્તાર ની મહિલાઓ પ્રદુષિત પાણી, રોડ અને અને ડ્રેનેજ જેવી સુવિધાઓ માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને મળવા જઈ રહ્યા હતા તેમની સાથે રિપોર્ટ કવર કરવા કેટલાક પત્રકાર પણ હતા. ત્યારે જ લોબી બહાર બાઉન્સરોએ ધક્કા-મુક્કી કરી ગેરવર્તન કર્યું હતું. બાઉન્સરો દ્વારા પત્રકારો સાથે પણ ખરાબ વર્તણૂક કરાઈ હોવાની ફરિયાદો ઉઠી છે. AMCએ માત્ર નામ પુરતી કાર્યવાહી કરી છે.
કંપનીને 50,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે અને બે બાઉન્સરોને બદલી દેવામાં આવ્યા છે. પરંતુ નાગરિકોની માંગ છે કે આવા બેફામ બાઉન્સરો પર કડક કાર્યવાહી થવી જોઈએ, નહિ કે માત્ર દંડ સાથે કેસ પુરો થઈ જાય.
AMCના ડેપ્યુટી કમિશ્નરે ચેતવણી આપી છે, પણ પ્રશ્ન એ છે કે શું ચેતવણીથી કાંઈ બદલાશે? AMCએ કહ્યું છે કે પત્રકારો અને નાગરિકો સાથે ગેરવર્તન AMCમાં સહન નહીં થાય, પણ એ માત્ર વચન જ છે કે વાસ્તવમાં કડક પગલાં લેવાશે?
નાગરિકોનું કહેવું છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરી પણ જો સુરક્ષા એટલી જ નબળી હોય તો એવો ખર્ચ કેમ કરવો? હવે જરૂરી છે કે AMC સુરક્ષા એજન્સીઓ પર કડક મોનિટરિંગ રાખે અને જવાબદારી નક્કી કરે નહીં તો આવાં દાદાગીરીવાળા બાઉન્સરોથી નાગરિકો ક્યારેય સુરક્ષિત નહીં થાય.