Western Times News

Gujarati News

ચૂંટણી પંચના બિહારમાં કરેલા દાવાથી રાજકારણ ગરમાયું

બિહારમાં ૩૫ લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં- ૭.૯૦ કરોડ મતદારોમાંથી ૩૫ લાખથી વધુ મતદારો તેમના સરનામા પર હાજર નહોતા.

(એજન્સી)પટના, બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, એવામાં ચૂંટણી પંચે સમગ્ર રાજ્યના મતદારોની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરી છે જેના પ્રાથમિક આંકડા સામે આવ્યા છે.

ચૂંટણી પંચનો દાવો છે કે બુથ લેવલ અધિકારીઓએ ઘરે ઘરે જઇને મતદારોની ચકાસણી કરી તો સામે આવ્યું કે ૭.૯૦ કરોડ મતદારોમાંથી ૩૫ લાખથી વધુ મતદારો તેમના સરનામા પર હાજર નહોતા. ૧૭ લાખથી વધુ મતદારો કાયમ માટે અન્ય સ્થળે જતા રહ્યા છે. જ્યારે તેજસ્વી યાદવે ચૂંટણી પંચના દાવા પર સવાલો ઉઠાવ્યા હતા. ચૂંટણી પંચે એકઠા કરેલા આંકડા મુજબ તાજેતરની વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન ૫.૭૬ લાખ મતદારોનો યાદીમાં સમાવેશ કરાયો છે.

જ્યારે ૧૨ લાખથી વધુ મતદારો એવા છે કે જેમનું મોત નિપજ્યું હોઇ શકે છે. આ સમગ્ર પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે અને આંકડામાં ફેરફાર પણ થઇ શકે છે તેવી સ્પષ્ટતા ચૂંટણી પંચે કરી હતી. ચૂંટણી પંચે દાવો કર્યાે હતો કે જે પણ લોકો રાજ્ય બહાર કામ કરી રહ્યા હોય તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે કે જેથી તેમની પાસે ફોર્મ ભરાવી શકાય. હાલમાં ૭ કરોડથી વધુ મતદારોમાંથી ૮૯ ટકા લોકોએ એન્યુમેરેશન ફોર્મ ભર્યા છે.

૩૫ લાખથી વધુ મતદારો તેમના ઘરો પર ના મળ્યા કે સરનામા પર ના રહેતા જોવા મળ્યા તેવા ચૂંટણી પંચના દાવાને પાયા વિહોણા ગણાવતા આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમને એવી જાણકારી મળી છે કે ચૂંટણી પંચને સત્તાધીશો તરફથી એવા આદેશ મળ્યા છે કે તેમણે મતદાર યાદીમાંથી ૧૫ ટકા મતદારોની બાદબાકી કરવાની છે. ચૂંટણી પંચ જે કરી રહ્યું છે કે ખતરનાક છે.

વિધાનસભા જ નહીં પંચાયતની ચૂંટણી પર પણ આ રિવિઝન પ્રક્રિયાની અસર થશે. મતદારોના સ્થાને બૂથ લેવલ ઓફિસરોને જ ફોર્મ ભરી સહી કરી દેવા કહેવામાં આવ્યું છે કે જેથી ડેડલાઇન પહેલા જ કામ પુરુ થઇ ગયું હોવાનું દેખાડી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.