ડેરી સંંચાલકો પશુપાલકો સામે ઝૂકયા પ્રતિ કિલો ફેટે રૂ. ૯૯૫ ચૂકવાશે

વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીની જાહેરાત
(એજન્સી)હિંમતનગર, સાબરકાંઠાની સાબર ડેરી સામે પશુપાલકો વાર્ષિક ભાવફેર સહિતના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
૧૮ જુલાઈ, ૨૦૨૫ પાંચમા દિવસે સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ૯૯૫ રૂપિયા ચૂકવાશે. સાબર ડેરીએ ગત દિવસોમાં ૯૯૦ રૂપિયાના ભાવફેરની વાત કરી હતી. જો કે, પશુપાલકોનો વિરોધ યથાવત્ રહેતા પ્રતિ કિલો ફેટે વધુ ૫ રૂપિયાનો વધારો જાહેર કરાયો છે. અગાઉ રૂ. ૯૬૦ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવાયો હતો. હવે બાકીના ૩૫ રૂપિયાનો ભાવફેર સાધારણ સભા બાદ ચૂકવાશે. ભાવફેરની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે. આમ, વિરોધ અને આંદોલન બાદ પશુપાલકોને આખરે સફળતા મળી છે.
સાબર ડેરીના નિયામક મંડળની મહત્ત્વની બેઠક મળી હતી. બેઠકમાં ચેરમેન, વાઈસ-ચેરમેન અને નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાવફેર અંગે નિર્ણય લેવાયો છે.
વર્ષે ૯૫૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક યુવકનું શંકાસ્પદ મોત પણ થયું હતું. સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી છતાં પશુપાલકોનો વિરોધ યથાવત્ જોવા મળ્યો હતો. તમામ ૧૬ ઝોનમાં આવેલી મંડળીઓ પૈકી ૪૦૦ મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું ટાળી દીધું હતું. જ્યારે સાબર ડેરીમાં દૂધની આવક ઘટતાં પાઉડરનું ઉત્પાદન હાલ પૂરતું બંધ કરવું પડ્યું. સાબર ડેરીમાં ૧૫ લાખ લિટર દૂધની આવક ઘટી છે.
અરવલ્લી જિલ્લાની મોટાભાગની મંડળીઓમાં ત્રીજા દિવસે પણ દૂધ ઉત્પાદકોએ દૂધ ભરવાનું ટાળ્યું હતું. મોટી ઈસરોલમાં નનામી કાઢીને વિરોધ કરાયો હતો. આંબલિયા ગામે પણ ચેરમેનના છાજીયા લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. મેઘરજમાં બે ટેમ્પા દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. જો કે, બંને જિલ્લામાં સ્વયંભૂ પશુપાલકો વિરોધ કરતા ડેરીના સત્તાધીશો મૂઝવણમાં મૂકાયા હતા.
સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવાના મામલે મોટી સંખ્યામાં પશુપાલકોએ ડેરી સામે દેખાવો કર્યો હતો. પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાયું હતું. જેમાં પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરાતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સાબર ડેરીમાં ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત ૭૪ લોકો વિરુદ્ધમાં નામજોગ અને ૧ હજાર ટોળા સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે ૪૭ શખ્સોની અટકાયત કરાઈ હતી.