યુવતીને લિવ-ઇનમાં રહેવાનું ભારે પડ્યું- યુવક સામે કાયદેસરની કાર્યવાહી

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી સાથે પાડોશમાં ચાર વર્ષ પહેલાં હિરેન અશ્વિનભાઈ શાહ રહેવા આવ્યો હતો. હિરેન પરિણીત હોવા છતાં મોનાને મેસેજ કરતો અને સમય જતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ હિરેન પરિણીત હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હતા.
જેથી હિરેને યુવતીને ખોટો વાયદો કરી જણાવ્યું હતું કે, તેને પત્ની સાથે મારે મનમેળ નથી તેથી હું તેને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ. જેથી યુવતીએ હિરેન પર વિશ્વાસ મુક્્યો હતો. આ દરમિયાન ૧૧ એપ્રિલ ૨૦૨૧ના રોજ યુવતી નરોડા વિઠ્ઠલપ્લાઝા પાસે આવેલા એક ફ્લેટમાં હિરેન સાથે રહેવા જતી રહી હતી. ત્યારે હિરેને એક મૈત્રી કરાર કરી લીધો હતો અને થોડા સમય બાદ પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરી લઈશું તેમ જણાવ્યું હતું.
પછી મોના ત્યાં રહેવા લાગી હતી આ દરમિયાન લગ્નની લાલચ આપી હિરેન અવારનવાર મોના સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પરંતુ ચાર વર્ષ થયા છતાં યુવતી સાથે હિરેને લગ્ન કર્યા નહીં અને પત્નીને છૂટાછેડા પણ આપ્યા નહોતા. જેથી યુવતીએ હિરેનને લગ્ન કરવા કહેતી હતી. ત્યારે હિરેન ઉશ્કેરાઈ જતો અને યુવતીને માર મારતો હતો.
પરંતુ યુવતીને હિરેન સાથે લગ્ન કરવા હોવાથી તેની સાથે જ રહેતી હતી. જો કે ૨૮ મેના રોજ યુવતીએ ફરી લગ્ન કરવાની વાત કરતા હિરેન ઉશ્કેરાઈ ગયો હતો અને મોનાને ફટકારી હતી. હવે મોનાની સહનશક્તિ ખતમ થઈ જતાં, તે પોતાના માતાના ઘરે રહેવા આવી ગઈ હતી. પરંતુ થોડા દિવસોથી હિરેન યુવતીને રસ્તામાં મળવા આવતો હતો અને કહેતો હતો કે, તને હું મારા ઘરે લઈ જઈશ.
તું મારા ઘરે નહીં આવે તો તને જાનથી મારી નાખીશ. હિરેન દિવસમાં સંખ્યાબંધ વાર ફોન કરી ધમકી આપતો હતો. હિરેન ગુસ્સાવાળો હોવાથી યુવતીએ ગભરાતાં ગભરાતાં હિંમત કરીને આ બનાવની જાણ પોતાના માતા-પિતાને કરી હતી.
ત્યારબાદ પરિવારે હિંમત આપતાં યુવતીએ આ મામલે હિરેન શાહ સામે બળાત્કાર સહિતની કલમ હેઠળ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ નરોડા પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. ગોહિલ અને તેમની ટીમે ગણતરીની કલાકોમાં જ આરોપી હિરેનને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.