Western Times News

Gujarati News

મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરે સરકાર સાથે 9.54 લાખની છેતરપિંડી કરી

આ બાબતે કુલ-૧૬ લાભાર્થીઓના ખાતા ફીજ કરાવવાની કામગીરી તાત્કાલીક કરવામાં આવી

કાલાવડ, કાલાવડ તાલુકાની મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પરાક્રમ કરી સરકારને ધૂંબો માર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આઉટસોર્સ દ્વારા સામાજિક સુરક્ષા શાખામાં કોમ્પ્યુટર ઓપરેટરે સરકારી યોજના હેઠળ લાગતા વળગતાનાઓના એકાઉન્ટ નંબર નાખીને સરકારી સહાયની રકમ હડપ કરી લીધી હતી.

નાયબ મામલતદાર અને ફરીયાદીની જાણ બહાર લાગિન ૈંડ્ઢ અને પાસવર્ડનો દુરુપયોગ કરીને ૧૬ લાભાર્થીઓના ખાતાઓ ફરી શરૂ કરી લીધા બાદ સમાજ સુરક્ષા શાખાની યોજનાઓમાંથી ૯.૫૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે કાલાવડ મામલતદાર કચેરીમાં મહેકમ શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને કાલાવડના ખોડીયાર પરામાં સરકારી ક્વાર્ટર માં રહેતા મહેશભાઈ બાબુભાઈ કમેજાળીયાએ કાલાવડ તાલુકાની મામલતદાર કચેરી ખાતે છેલ્લા આઠ વર્ષથી આઉટસોર્સ દ્વારા સામાજિક સુરક્ષા શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા માછલીવાડમા રહેતા ઘ્રુવરાજસિંહ જીવુભા જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જેમા જણાવાયા અનુસાર ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજાની નિમણુક જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્રારા તાલુકા દીઠ એક ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે આઉટ સોર્સથી સેવા પુરી પાડવા સંકલ્પ ફેસેલીટીશ એન્ડ મેનેજમેન્ટ સર્વીસ લીમીટેટ ની એજન્સી દ્રારા કરવામાં આવે છે. આ ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજાને ફરજના ભાગ રૂપે સમાજસુરક્ષા સહાયની ઓનલાઇન એન.એસ.એ.પી. સોફટવેરમાં કામગીરી કરવાની હોય છે. જેમા સમાજસુરક્ષા સહાય લગત અરજીઓની ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવાની વગેરે કામગીરી કરવાની હોય છે.

ગઇ તા.૧૫/૦૭/૨૦૨૫ ના બપોરના આશરે ચારેક વાગ્યાના અરસામા એચ.એમ.રામાણી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,એ પોતાની સાથે એક લીસ્ટમાં કુલ ૧૬ લાભાર્થીઓના નામ તથા પેમેન્ટની વિગતો સાથે લઈને મામલતદાર કચેરી, કાલાવડ ખાતે આવેલ અને જણાવેલ કે, આ લીસ્ટમાં જણાવેલ લાભાર્થીઓના નામ તથા પેમેન્ટની વિગતોમા નામ મીસમેચ થાય છે અને કંઇક શંકાસ્પદ જણાઇ આવે છે.

જેથી મામલતદાર કચેરી કાલાવડ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્રારા સંયુકત તપાસ કરતા માલુમ પડેલ કે મામલતદાર કચેરી, કાલાવડ ખાતે સમાજ સુરક્ષા શાખામાં આઉટ સોર્સમા ફરજ બજાવતા ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજા દ્વારા સમાજ સુરક્ષા શાખાની વિવિધ સહાયની યોજના હેઠળના લાભાર્થીઓ ૧૬ ના ખાતામાં સહાય બંધ હોય

જેનો લાભ લઈ કોમ્પ્યુટર ઓપરેટર ધ્રુવરાજસિંહ દ્રારા ખાતાઓમાં રી-ઈનીસીયેટ કરી પોતાના લાગતા વળગતાઓના બેન્ક એકાઉન્ટમાં લાભાર્થીઓની સહાયની રકમ તેઓના ખાતામાં જમા કરાવી કુલ રૂ.૯,૫૪,૫૦૦ ની ગેરરીતી આચરવામાં આવેલ હોવાનુ ભોપાળું છતું થયું હતું. આ બાબતે કુલ-૧૬ લાભાર્થીઓના ખાતા ફીજ કરાવવાની કામગીરી તાત્કાલીક કરવામાં આવી

અને મામલતદાર તથા સમાજ સુરક્ષા અધિકારીએ ધ્રુવરાજસિંહ જાડેજાનુ નીવેદન લેતા તેઓએ કુલ ૧૬ લાભાર્થીઓના ખાતામાં ગેરરીતી કરેલનુ અને મામલતદાર સાહેબ તથા નાયબ મામલતદાર સાહેબના પાસવર્ડનો તેની જાણ બહાર ઉપયોગ કર્યાની કબુલાત આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.