પાણીની ટાંકી ધરાશાયી થતાં ૭ ગામને પીવાના પાણીની થશે સમસ્યા

અમરેલી,અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. રોડ કાંઠે આવેલી પાણી પુરવઠા વિભાગની આશરે ૧૦ લાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી.
જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, આ પાણીની ટાંકી લગભગ ૨૦ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. જેનાથી આસપાસના ૭ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. ટાંકી ધારાશાયી થતાં લાખો લિટર પાણીનો વ્યય થયો હતો અને ખાંભા-નાગેશ્રી હાઈવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. પાણીના પ્રવાહને કારણે માર્ગ પરનું બાંધકામ પણ તૂટી પડ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ અને પાણી પુરવઠા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ટાંકી તૂટી પડવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.આ ઘટનાને કારણે ૭ ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે,
જેને પહોંચી વળવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ટાંકી અચાનક ધરાશાયી થતાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહત અનુભવી હતી.