રાજકોટ પાસે ‘બંટી-બબલી’નો જીપથી પોલીસમેનને કચડી નાખવા પ્રયાસ

રાજકોટ, રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર ગઈકાલે પોલીસ અને ગુનેગારો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટના અંકિત પરમાર અને નયના નામની મહિલાએ પોલીસકર્મી પર થાર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યાે હતો અને ત્યારબાદ પોલીસને ૨૦ કિલોમીટર સુધી દોડાવી હતી. આ બંનેને અંતે વીરપુરમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, રૂરલ ટ્રાફિક પોલીસની ટીમ જેતપુરની ધાર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે સમયે જૂનાગઢ તરફથી આવતી કાળા કાચવાળી એક થાર કારને રોકવાનો પ્રયાસ કરતા તેના ચાલક અંકિત પરમારે પોલીસકર્મી મહેશભાઈ સોઢાતરને મારી નાખવાના ઇરાદે તેમના પગ પર ગાડીનું વ્હીલ ફેરવી દીધું હતું.
આ બનાવમાં મહેશભાઈને ઈજા થઈ હતી.હુમલો કર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે તેનો પીછો કરી પીઠડીયા ટોલનાકા પાસે તેને દબોચી લીધો હતો. પોલીસની તપાસમાં અંકિત નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
જોકે, આ દરમિયાન તેની સાથે રહેલી નયના નામની મહિલાએ તરત જ ગાડીનો કબ્જો લઈ લીધો અને ફરીથી કાર ભગાવી આરોપીને લઈને ફરાર થઈ ગઈ.પોલીસે ફરીથી આ થાર કારનો પીછો કર્યાે. નેશનલ હાઇવે પર સિક્સ લેનનું કામ ચાલુ હોવાને કારણે ટ્રાફિક હોવા છતાં, પોલીસે સતત ૨૦ કિલોમીટર સુધી તેમનો પીછો કર્યાે હતો.
અંતે, જીવના જોખમે પોલીસે વીરપુરમાંથી અંકિત પરમાર અને નયનાને ઝડપી પાડ્યા હતા.જેતપુર તાલુકા પોલીસે અંકિત પરમાર અને નયના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ નેશનલ હાઇવે પર પોલીસની કાર્યવાહી અને ગુનેગારોની બેફામ હરકતોને ફરી એકવાર સામે લાવી છે.SS1MS