નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ સંસદમાં રજૂ થશે

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે -સર્વપક્ષીય બેઠક બોલાવામાં આવી વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
(એજન્સી)નવી દિલ્હી, ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવામાં આવી હતી. જેમાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ રવિવાર (૨૦ જુલાઈ) કહ્યું કે, સરકાર આવતીકાલે સોમવારથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર સહિત તમામ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
રિજિજૂએ તમામ પક્ષને અપીલ કરી હતી કે, સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા માટે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘમસાણ જોવા મળશે. ચાલો જાણીએ વિપક્ષ કયા-કયા મુદ્દે સરકારને ઘેરવા તૈયાર છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાના અને યુદ્ધવિરામના નિવેદનને લઈને વિપક્ષ સરકારને ઘેરવા માટે તૈયારીમાં છે. જેને લઈને પ્રતિક્રિયા આપતાં રિજિજૂએ કહ્યું હતું કે, સરકાર આ મુદ્દા પર યોગ્ય જવાબ આપશે. રિજિજૂએ જાણકારી આપી હતી કે, ન્યાયમૂર્તિ વર્માને હટાવવા માટે લાવવામાં આવી રહેલા મહાભિયોગ પ્રસ્તાવને સાંસદોનું સારુ સમર્થન મળી રહ્યું છે. આ પ્રસ્તાવ પર ૧૦૦થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે.
સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષ અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ જણાવ્યા હતા, આ મુદ્દાને વિપક્ષ સંસદમાં જોરશોરથી ઉઠાવશે. જેમાં બિહારમાં મતદાર યાદીની વિશેષ સુધારણામાં ભૂલનો આરોપ, પહલગામ હુમલો અને ટ્રમ્પનો વિવાદિત દાવો વગેરે મામલે સરકારને ઘેરવા તૈયાર છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, તેમની પાર્ટી ત્રણ મુખ્ય માગ લઈને સંસદમાં પહોંચશે. જેમાં નીચે પ્રમાણેના કેટલાક મુદ્દાને લઈને સવાલો કરાશે.
ટ્રમ્પના દાવા પર વડાપ્રધાન મોદીએ સંસદમાં નિવેદન આપે.
પહલગામ આતંકવાદી હુમલામાં સુરક્ષામાં થયેલી ખામી અંગે સરકારે જવાબ આપે.
બિહારમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની તપાસ થાય.
જ્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં આપ સાંસદ સંજય સિંહે બેઠકમાં એસઆઈઆર પ્રક્રિયાને ચૂંટણી કૌભાંડ ગણાવીને કહ્યું હતું કે, આ દેશની લોકશાહી માટે ગંભીર ખતરો છે. તેમણે ભારત-પાકિસ્તાન મધ્યસ્થી અંગે ટ્રમ્પના નિવેદનો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ બેઠક રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સરકાર વતી કિરેન રિજિજૂ અને રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે ભાગ લીધો હતો.
વિપક્ષ વતી કોંગ્રેસના ગૌરવ ગોગોઈ અને જયરામ રમેશ, એનસીપી (શરદ પવાર જૂથ)ના સુપ્રિયા સુલે, ડીએમકેના ટીઆર બાલુ, આરપીઆઈ (એ)ના રામદાસ અઠાવલેએ બેઠકમાં હાજરી આપી હતી.
ભારતીય કર માળખામાં મોટા ફેરફારોની પ્રક્રિયા હમણાં જ શરૂ થવાની છે અને નવા આવકવેરા બિલ, ૨૦૨૫ની સમીક્ષા કરતી સંસદીય સમિતિનો અહેવાલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે.
આ નવું બિલ છ દાયકા જૂના આવકવેરા કાયદા, ૧૯૬૧ માં મોટા ફેરફાર લાવશે. તે પહેલાં કરતા ઓછા વિભાગો સાથે સરળ ભાષામાં ઉપલબ્ધ હશે.
મીડિયા રિપોર્ટ મુજબ, ૧૩ ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા નવા આવકવેરા બિલ, ૨૦૨૫ની સમીક્ષા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાજપના નેતા બૈજયંત પાંડાની આગેવાની હેઠળની ૩૧ સભ્યોની પસંદગી સમિતિ બનાવી હતી. આ સમિતિએ નવા આવકવેરા બિલમાં ૨૮૫ ફેરફારો કરવા ભલામણ કરી છે. તે સંબંધિત સમીક્ષા રિપોર્ટ આવતીકાલે રજૂ કરવામાં આવશે.
નવું સરળ બિલ ખાસ કરીને અડચણોમાં ઘટાડો કરવા માટે સરળ ભાષામાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા રજૂ કરાયેલા હ્લછઊ અનુસાર, આ નવા બિલમાં શબ્દોની સંખ્યા હવે હાલના કાયદામાં ૫.૧૨ લાખની સરખામણીમાં ઘટીને ૨.૬ લાખ થઈ છે. આ ઉપરાંત, કલમની સંખ્યા પણ ૮૧૯ થી ઘટાડીને ૫૩૬ કરવામાં આવી છે, જ્યારે ચેપ્ટર પણ ૪૭ થી ઘટાડીને ૨૩ કરવામાં આવ્યા છે.
નવા આવકવેરા બિલ-૨૦૨૫માં કરના લાભો અને ટીડીએસ-ટીસીએસ નિયમોને સ્પષ્ટ કરવા માટે ૫૭ કોષ્ટક છે, જ્યારે હાલના કાયદામાં, ફક્ત ૧૮ હતા. આ સાથે, ૧,૨૦૦ જોગવાઈ અને ૯૦૦ સ્પષ્ટીકરણ દૂર કરવામાં આવી છે. બીજો મોટો ફેરફાર એ છે કે કરદાતાઓ માટે આ બિલમાં અત્યાર સુધી અપનાવવામાં આવેલા અસેસમેન્ટ યર અને પાછલા વર્ષ ના ખ્યાલને એકીકૃત કરી ટેક્સ યર સાથે બદલવાનો પ્રસ્તાવ છે. હાલમાં, પાછલા વર્ષની આવક પર કર ચૂકવણી અસેસમેન્ટ યરમાં કરવામાં આવે છે.
૨૦૨૩-૨૪ માં કમાયેલી આવક પર ૨૦૨૪-૨૫માં કર લાદવામાં આવે છે. નોંધનીય છે કે નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યા પછી તેને ૩૧ સભ્યોની પસંદગી સમિતિ સમક્ષ સમીક્ષા કરવામાં આવી હતી અને હવે તેનો સમીક્ષા રિપોર્ટ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે રજૂ કરવામાં આવશે, જે ૨૧ જુલાઈથી શરૂ થશે અને ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી ચાલશે.