Western Times News

Gujarati News

બગોદરામાં આર્થિક ભીંસથી કંટાળી પરિવારે ઝેરી દવા ગટગટાવી હોવાની આશંકા

એક જ પરિવારના ૫ સભ્યોનો સામૂહિક આપઘાત

અમદાવાદ, અમદાવાદમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના બગોદરાના ગામમાં પાંચ સભ્યોએ એકસાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, એક જ પરિવારના પતિ-પત્ની અને તેમના ત્રણેય બાળકોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પરિવારે ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યુ તે જાણી શકાયું ન હતું. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને આત્મહત્યાનો ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરિવારે આર્થિક કારણોસર આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃતકોમાં વિપુલ વાઘેલા, તેમની પત્ની સોનલ વાઘેલા, ૧૧ વર્ષની દીકરી સિમરન, ૮ વર્ષનો દીકરો મયુર અને ૫ વર્ષની દીકરી પ્રિન્સીનો સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ ધોળકાના દેવીપૂજક વાસ, બોરકોઠાનો વતની હતો. અહીં વિપુલ વાઘેલા ભાડાના ઘરમાં રહેતો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જોકે, પરિવારે આપઘાત કેમ કર્યો તે વિશે હજું સુધી કોઈ નક્કર માહિતી સામે નથી આવી.

ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ અને તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સિવાય અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ધંધુકા પોલિસ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ, તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે સમગ્ર ઘટના વિશે તપાસ કરવા માટે ઘરમાં શોધખોળ હાથ ધરી છે. જોકે, હજુ સુધી કોઈ સ્યુસાઇડ નોટ સામે આવી નથી. આ સિવાય પોલીસ આસપાસના લોકોના નિવેદનો પણ નોંધી રહી છે. જોકે, પરિવારે આ પગલું કેમ લીધું તે વિશે હજું સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે, અમારા ગામમાં આવી ઘટના પહેલીવાર જ બની હશે. આ લોકો ધોળકાના હતા. આ લોકો માત્ર એક મહિના પહેલા જ અહીં આવ્યા હતા. આ લોકોના પરિવારને પણ જાણ કરીને બોલાવવામાં આવ્યા છે.

પરિવારજનના જણાવ્યા પ્રમાણે, વિપુલભાઈએ લોન પર સીએનજી રિક્ષા લીધી હતી. તેમને લોનવાળાઓનું પ્રેશર હતુ. મારા પિતાના ફોન પર કોલ આવ્યો હતો કે મારા રૂપિયા આપો અને લોન ચૂકતી કરો નહીં તો હું રિક્ષા પણ લઈ જઇશ અને પોલીસ બોલાવીને જેલમાં બંધ કરાવી દઈશ. જે બાદ તેમની વચ્ચે પાંચ હજારનું સેટલમેન્ટ પણ કર્યુ હતુ.

અમદાવાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી, એફએસએલ તથા ધંધુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ તમામ મૃતકોના મૃતહેહ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી દેવામાં આવ્યું છે. હાલ આ લોકોએ અંતિમ પગલું કેમ લીધું તે અંગેની કોઈપણ માહિતી મળી નથી. વિપુલભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.