બ્રિજ દુર્ઘટના: હજી સુધી ગંભીરા પુલ પર લટકેલી હાલતમાં છે ટેન્કર !

ગંભીરા બ્રીજ
(એજન્સી)વડોદરા, વડોદરા-આણંદ જિલ્લાઓને જોડતા ગંભીરા પુલનો સ્લેબ તૂટી ગયાના ૧૦ દિવસ વીતી ગયા છે. આ બાદ પણ માલિક અને ડ્રાઇવર પુલ પર લટકતું ટેન્કર દૂર કરવા માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે. ૯ જુલાઈના રોજ થયેલા અકસ્માતમાં ગંભીરા પુલ પરથી ત્રણ ટ્રક સહિત અનેક વાહનો મહીસાગર નદીમાં પડી ગયા હતા.
આ અકસ્માતમાં ૨૦ લોકોના મોત થયા હતા અને એક યુવાન હજુ પણ ગુમ છે. પુલ પર લટકતા ટેન્કરના ડ્રાઇવર રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, હું અમદાવાદથી ટેન્કર ખાલી કરીને દહેજ જઈ રહ્યો હતો. સામેથી એક ટેન્કર આવી રહ્યું હતું અને મારી આગળ એક કાર જઈ રહી હતી. ત્યાંથી અચાનક પુલનો સ્લેબ તૂટી ગયો. બે સેકન્ડમાં પુલનો સ્લેબ નદીમાં પડી ગયો. સામેથી આવતા ટેન્કરે મારા ટેન્કરને ટક્કર મારી અને તે ટેન્કર નદીમાં પડી ગયું.
ઘટનાને નજર સામે યાદ કરતા ડ્રાઈવરે કહ્યું કે, મેં હેન્ડબ્રેક લગાવીને ટેન્કર રોક્્યું. હું ટેન્કરમાંથી કૂદી પડ્યો અને બેભાન થઈ ગયો. બે-ત્રણ કલાક પછી મેં પરિવારનો સંપર્ક કર્યો. પરિવારને ખબર પડી કે હું આ ટેન્કર ચલાવી રહ્યો છું. બાદમાં પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ. મને ખબર નહોતી કે ત્યાં શું થયું છે. હું પ્રશાસનને અપીલ કરું છું કે તૂટેલા પુલ પર લટકતી ટેન્કર ત્યાંથી દૂર કરવામાં આવે. જેથી અમે ટેન્કર ચલાવીને આપણું ગુજરાન ચલાવી શકીએ.
અંકલેશ્વરમાં રોડલાઈનના ટેન્કર માલિક રામાશંકર પાલે જણાવ્યું કે, આણંદમાં સરકારી કચેરીના અધિકારીઓ વડોદરાને દોષી ઠેરવી રહ્યા છે અને વડોદરાના અધિકારીઓ આણંદને દોષી ઠેરવી રહ્યા છે. અમે આણંદ અને વડોદરામાં સરકારી કચેરીઓની મુલાકાત લઈને કંટાળી ગયા છીએ. એક અધિકારીએ જવાબ આપ્યો કે ટેન્કર ત્યારે જ ઉપલબ્ધ થશે જ્યારે નવો પુલ બનશે અને જૂનો પુલ તોડી પાડવામાં આવશે.