Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રના ૮ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-આૅરેન્જ જાહેર

ગુજરાતના ૯૮ તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ

ગાંધીનગર, ગુજરાતમાં આગામી ૨૪ જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, હવામાન વિભાગે રવિવારે (૨૦ જુલાઈ) સૌરાષ્ટ્રના ૮ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-આૅરેન્જ જાહેર કર્યું છે, ત્યારે આજે ૯૮ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળ ૩.૫૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગના મુજબ, આજે રવિવારે સાંજે ૪ વાગ્યાથી ત્રણ કલાક એટલે કે સાંજે ૭ વાગ્યા સુધીમાં કચ્છ, જામનગર અને રાજકોટ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં (૨૦ જુલાઈ) સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીમાં ૯૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જોડિયામાં ૨.૮ ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં ૧.૩૮ ઇંચ, જૂનાગઢના કેશોદમાં ૧.૨૬ ઇંચ, જૂનાગઢ અને જૂનાગઢ સિટીમાં ૧.૨૨-૧.૨૨ ઇંચ, જામનગરના જામજોધપુર, મોરબીના ટંકારા અને જૂનાગઢના વંથલીમાં ૧-૧ ઇંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે જૂનાગઢના મેંદરડા, પાટણના સરસ્વતી, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, ગીર સોમનાથ પાટણ-વેરાવળ, જામનગરના ધ્રોલ, જૂનાગઢના માણાવદર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢના માળિયા હાટીના, રાજકોટના જામકંડોરાણા સહિતના ૭૯ તાલુકામાં ૧ ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદની બ્રેક બાદ સૌરાષ્ટ્રમાં ફરીથી મેઘરાજા પોતાની સવારી લઈને આવ્યા છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આજના દિવસ માટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.