બોગસ દસ્તાવેજોનો રોગ શિક્ષકોને પણ લાગુ પડ્યો કે શું?

રાજ્યમાં બોગસ દસ્તાવેજ, બોગસ ડોકટર, બોગસ ટોલનાકું અને બોગસ ફેકટરી સહિતના અનેક કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાતમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણામાં નકલી સર્ટિફિકેટ કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે.
શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરતી વખતે તેઓ કોમ્પ્યુટરનો કોર્સ પાસ કર્યાનુ સર્ટિફિકેટ માગવામા આવે છે. ઉચ્ચતર પગાર ધોરણ મેળવવાની પાત્રતા ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ વિભાગમાં રજુ કરવામાં આવેલાં સર્ટિફિકેટના વેરિફેકેશનની પ્રક્રિયા હાથ ધરાતા શિક્ષકોના કોમ્પ્યુટર સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે એવું કહેવાય છે કે મહેસાણાના ૧૩૮ શિક્ષકોનાં સર્ટિ શંકાસ્પદ જણાયા છે અને તેમનાં પગારના લાભ અટકાવાયા છે.રાજ્યભરમા આવા શંકાસ્પદ સર્ટિફિકેટ મામલે તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ૬૭૦૮ શિક્ષકો પૈકી ઉચ્ચતર પગાર ધોરણ માટે ૧૩૮ શિક્ષકોએ રજૂ કરેલા ટ્રિપલ સીના સર્ટિફિકેટ શંકાસ્પદ હોવાનું જણાતાં શિક્ષણ વિભાગે ઉચ્ચતર પગારધોરણ હાલ અટકાવી દીધું છે.
કેબીનેટમા ભૂપેન્દ્ર પટેલનુ નવું સ્વરૂપઃ ઉગ્ર થઈને પુણ્યપ્રકોપ ઠાલવ્યો
ગુજરાત કેબિનેટની ગત બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એક નવું જ સ્વરૂપ ઉપસ્થિતોને જોવા મળ્યું હતું.ગુજરાતના રસ્તાઓ અને પુલોની ખરાબ હાલત, અયોગ્ય જાળવણી અને તેની સ્થિતિનાં ખોટા અહેવાલ અંગે મુખ્યમંત્રી ઉકળી ઉઠ્યા હતા.
એક-બે કેબિનેટ મંત્રીઓએ અને આઈ.એ.એસ. અધિકારીઓએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન તેમનું આટલું ઉગ્ર સ્વરૂપ અમે અગાઉ ક્યારેય જોયું નથી. સહજ,સરળ અને સૌજન્યશીલ સ્વભાવ ધરાવતા મુખ્યમંત્રીએ ઉગ્ર થવું પડ્યું એ સૂચવે છે કે ગુજરાતનું વહીવટીતંત્ર કેટલું ખાડે ગયું છે!
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા પોતાની ઓફિસમાં સૌથી વધું સમય બેસે છે
ગુજરાત રાજ્યના મંત્રીઓ માંડમાંડ એક દિવસ મંગળવારે સચિવાલયમાં બેસે છે અને લોકોના પ્રશ્નો સાંભળે છે.આમા એક સુખદ અપવાદ છે અને એ છે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ,ક્લાઈમે ચેન્જ,પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો હવાલો સંભાળતા કેબિનેટ મંત્રી મુળુભાઇ હરદાસ બેરા.
ભરપૂર કોઠાસૂઝ ધરાવતા મુળુભાઇ દર સોમવારે, મંગળવારે અને બુધવારે સચિવાલયમાં જોવાં મળે છે.પક્ષની કે સરકારની કોઈ વિશેષ જવાબદારી આવી પડી હોય તો જ તેઓ પ્રજા કામના આ ત્રણ દિવસો દરમિયાન સચિવાલયથી દૂર હોય છે.
મુળુભાઈની વિશેષતા એ છે કે તેઓ પોતાની કચેરીમાં મોડી રાત સુધી બેસવા ટેવાયેલા હોવાથી સાંજે ૬ઃ૧૦(કચેરી સમય પુરો થયા)પછી પણ રજુઆત કર્તાઓને મળે છે.સત્તા મેળવ્યા પછી પણ સાદગી અને સરળતા જાળવી શકેલા નેતાઓની શ્રેણીમાં મુળુ બેરાને બેસાડી શકાય તેમ છે.
પ્રમુખપદે સૌથી વધુ સમય સુધી રહેવાનાં વિક્રમમાં પાટીલ ત્રીજા ક્રમે આવે છે
ક્રિકેટમાં જેમ વિરાટ કોહલી કે શુભમન ગીલ રેકર્ડ નોંધાવે એમ રાજકારણમાં પણ રેકોર્ડ નોંધાતા હોય છે.એ રીતે ગુજરાત ભા.જ.પ.ના પ્રમુખ પદે સૌથી વધુ સમય સુધી રહેવાના રેકોર્ડમાં સી.આર. પાટીલે પોતાનું સ્થાન ત્રીજા ક્રમે તા.૨૧/૭/૨૫ના રોજ પ્રમુખ તરીકે પાંચ વર્ષ પુરા કરીને નોંધાવી દીધું છે.
અગાઉ(૧) રાજેન્દ્રસિંહ રાણા(૧૯૯૮ થી ૨૦૦૫)સાત વર્ષ અને (૨)ઃ-આર.સી. ફળદુ(૨૦૧૦ થી ૨૦૧૬) છ વર્ષ પ્રમુખપદે રહ્યા હતા.એ પછીના ક્રમે હવે(૩)ઃ-પાટીલ ૫ વર્ષ પુરા કરીને આવે છે.
ગાંધીનગરની જી.એમ.ઈ.આર.એસ.મેડિકલ કોલેજનુ તદ્દન બિનઉપયોગી ઓડિટોરિયમ
અગાઉ મેડિકલ કોલેજ ઓડિટોરીયમનું એક દિવસનું (એટલે કે ૧૨ કલાકનુ) ભાડું રૂ. ૧,૫૪,૦૦૦/- લેતી હતી. હવે એ ભાડું અધધધધધ કહેવું પડે એટલું બધું વધારીને રૂ.૩,૫૦,૦૦૦/- કરી દેવામાં આવ્યું છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી જી.એમ.ઇ. આર.એસ.મેડીકલ કોલેજનું અદ્યતન ઓડિટોરીયમ વર્ષમાં થતી ૨-૪ મેડિકલ કોન્ફરન્સ કે સેમિનારના આયોજન પુરતું ખપમાં આવે છે.
એ સિવાય આ ઓડિટોરીયમનો કોઈ ઉપયોગ ગાંધીનગરની સામાજિક કે સાંસ્કૃતિક સંસ્થાઓ કરી શકતી નથી.
જોવાની ખૂબી એ છે કે મેડિકલ કોલેજના સત્તાવાળાઓ આ ઓડિટોરિયમ ભાડે આપવાની ઈચ્છા પણ નથી ધરાવતા.’મેડીકલ કોલેજના સંચાલકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેમની માલિકીનું ઓડિટોરુયમ કોઈ માંગવાની હિંમત જ ન કરે એવા તોતીંગ ભાડા આ માટે રખાયા છે.
અગાઉ મેડિકલ કોલેજ ઓડિટોરીયમનું એક દિવસનું (એટલે કે ૧૨ કલાકનુ) ભાડું રૂ. ૧,૫૪,૦૦૦/- લેતી હતી.
હવે એ ભાડું અધધધધધ કહેવું પડે એટલું બધું વધારીને રૂ.૩,૫૦,૦૦૦/- કરી દેવામાં આવ્યું છે.
આ ઓડિટોરિયમનુ ભવિષ્ય પણ બહુ જલ્દી ખંડેર થવા નિર્માયુ હોવાનું લાગે છે. સત્તાધીશો આ અંગે સંપૂર્ણ જડ વલણ ધરાવે છે.”ઘાસની ગંજી પર ઊભેલો કુતરો ઘાસ ખાય પણ નહીં અને ગાયને ઘાસ ખાવા પણ દે નહીં” એ ઉક્તિ અહીં યાદ આવે હોં!