રણબીર પહેલા ભગવાન શ્રીરામની ભૂમિકા સલમાન ખાન ભજવવાનો હતો

મુંબઈ, અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી સાઈ પલ્લવી હાલમાં દિવસોમાં તેમની આવનારી ફિલ્મ રામાયણને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સની દેઓલથી લઇને અન્ય મોટી હસ્તીઓ પણ જોવા મળશે. તમને આ ફિલ્મ વિશે વધુ એક વાત જાણીએ આશ્ચર્ય થશે કે ફિલ્મમાં એક સમયે ભગવાન રામની ભૂમિકા અભિનેતા સલમાન ખાન ભજવવાનો હતો.
તેણે આ પાત્ર ભજવવાની તૈયારી પણ શરૂ કરી હતી, પણ એ સમયે સલમાનના નાના ભાઈ સોહેલ ખાન મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટને ડેટ કરી રહ્યો હતો. બંનેના અફેરની ચર્ચા વધી જવાથી સલમાને આ ફિલ્મમાં કામ કરવાનું ટાળ્યું હતું.
એક રિપોર્ટ પ્રમાણે ફિલ્મ સાથે સંકળાયેલા એક આંતરિક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ૯૦ના દાયકામાં, સોહેલ ખાને રામાયણ ફિલ્મની જાહેરાત કરી હતી. તેણે ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘ઔઝાર’ થી દિગ્દર્શક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની પહેલા, તે રામાયણ બનાવવાનો હતો, જેમાં સલમાન ભગવાન શ્રીરામ અને સોનાલી બેન્દ્રે માતા સીતાની ભૂમિકા ભજવવાની હતી.
પૂજા ભટ્ટ પણ ફિલ્મના પ્રોડક્શન સાથે જોડાઈ હતી. ફિલ્મની ૪૦ ટકા શૂટિંગ પૂરી પણ થઈ ચૂકી હતી અને સલમાને ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કર્યું હતું. એ જ સમયે સેટ પર સોહેલ ખાન અને પૂજા ભટ્ટ પ્રેમમાં પડયા. પૂજાએ આ રિલેશનશિપ વિશે ખુલાસો પણ કર્યાે હતો.
વર્ષ ૧૯૯૫માં તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને સોહેલ લગ્ન વિશે વાતચીત કરી રહ્યા છે. જણાવી દઈએ કે પૂજાએ સોહેલના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. બંનેના પ્રેમ સંબંધના સમાચાર સોહેલના પિતા સલીમ ખાન સુધી પહોંચ્યા. સલીમ ખાન આ સંબંધની વિરુદ્ધ હતા. તેમણે સોહેલને આ સંબંધ તોડવા કહ્યું હતું.
જ્યારે આ વાત પૂજાને પણ જાણ થઇ ત્યારે તેણે ગુસ્સામાં આ ફિલ્મ છોડી દીધી અને ફિલ્મનું નિર્માણ બંધ કરી દેવામાં આવ્યું. સલમાન ખાને પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યાે, પરંતુ તેના બધા પ્રયાસો નિષ્ફળ ગયા. આ જ કારણ હતું કે ફિલ્મ ‘રામાયણ’નું નિર્માણ માત્ર ૪૦ ટકા પૂર્ણ થયા પછી બંધ કરવામાં આવ્યું.SS1MS