અમે બનાવેલા રોડને કોંગ્રેસની નજર લાગતી હોવાથી તૂટી જાય છે: BJPના કોર્પોરેટરની દલીલ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદ ચોમાસાની સીઝનમાં કદરૂપુ બની જાય છે સામાન્ય વરસાદમાં જ ઠેરઠેર પાણી ભરાવા અને રોડ તૂટી જવા તે પરંપરા બની ગઈ છે.
શહેરના નાગરિકો દ્વારા છેલ્લા દોઢ મહિનામાં જ વરસાદના પાણી ભરાવા તેમજ ખાડા પડવા અંગે હજારોની સંખ્યામાં ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં શાસક પક્ષના કેટલાક સીનીયર કોર્પોરેટરો આ બાબતનો સ્વીકાર કરવા તૈયાર નથી તેમજ ‘અમારા રોડને કોંગ્રેસની નજર લાગી ગઈ છે તેથી તૂટી જાય છે’ જેવા હાસ્યાસ્પદ નિવેદનો કરી રહયા છે.
મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા અંગે રજુઆત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ર૦૦પથી ભાજપની સત્તા છે તેમ છતાં મધુમાલતી નિકોલ જેવા પ્રશ્નો વર્ષોથી હલ થયા નથી. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી ર૦૧૭માં બોટમાં બેસી મધુમાલતીની સ્થળ સ્થિતિ જોવા ગયા હતા તથા તાત્કાલિક કામ કરવા કોર્પોરેશન અને ઔડાને આદેશ આપ્યા હતા
જે બાબતને ૮ વર્ષ વીતી ગયા છતાં પરિસ્થિતિમાં કોઈ જ ફર્ક પડયો નથી તે બાબત નિંદનીય છે. આવી જ સ્થિતિ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી છે. શહેરના નાગરિકો પાણી ભરાવા અંગે રોજની સરેરાશ ર૧પ ફરિયાદ કરી રહયા છે. ૧ જુનથી ૧૯ જુલાઈ સુધી ડ્રેનેજ ચોકપ તેમજ બ્રેકડાઉન જેવી પ૩૧પ૭ ફરિયાદો આવી છે. નાગરિકોએ સ્ટ્રોમ વોટર અંગે રોજની ૧પ૪ ફરિયાદો કરી છે. આ માત્ર ઓનલાઈન ફરિયાદના જ આંકડા છે.
અમદાવાદ શહેરમાં વરસાદના એક બે ઝાપટા પડતાં જ કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ રોડ તૂટી જાય છે. અગાઉ ડામર અને પાણીને વેર હોવાથી રોડ તૂટી જવા એ સામાન્ય બાબત છે તેવા કારણો શાસકો તરફથી આપવામાં આવતા હતા તેથી મજબુત રોડ બનાવવાના નામે વ્હાઈટ ટોપી રોડ બનાવવામાં આવી રહયા છે.
પરંતુ હવે તે પણ તૂટી જાય છે આ બાબતને ભ્રષ્ટાચાર ન કહેવાય તો બીજુ શું કહેવાય તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો તે સમયે ભાજપના સીનીયર કોર્પોરેટર મહાદેવ દેસાઈ કે જેઓ ગત ટર્મમાં રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન પણ હતા તેઓ વિરોધ કરવા ઉભા થયા હતાં પણ તેમની પાસે વિરોધ કરવા લાયક કોઈ દલીલ ન હોવાથી હાસ્યાસ્પદ કહી શકાય તેવા કારણ આપતા જણાવ્યું હતું કે અમારા રોડને કોંગ્રેસની નજર લાગી જાય છે તેથી તૂટી જાય છે.
ભાજપના કોર્પોરેટર મહાદેવ દેસાઈએ બોર્ડમાં જુઠ્ઠાણાની હદ ત્યારે વટાવી જયારે તેમણે એવું નિવેદન કર્યું કે ર૦૧૭માં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી મધુમાલતીની મુલાકાતે ગયા જ ન હતાં તે સમયે કોંગ્રેસના સીનીયર કોર્પોરેટર ઈકબાલ શેખ ઉભા થયા હતાં અને જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા પૂર્વ ઝોનની ઓફિસમાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભાજપના કેટલાક કોર્પોરેટરો ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં બેઠા હતાં
તે સમયે જગદીશભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ૧૦ વર્ષથી ઉકેલ આવ્યો નથી. તેમણે જાહેરમાં આ રીતે નિખાલસ કબુલાત કરી હતી પરંતુ અહીં મહાદેવભાઈ એક પછી એક હાસ્યાસ્પદ જુઠ્ઠાણા ચલાવી રહયા છે.