લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ પંચમહાલ પરિવારના સાત ક્લબોની મેગા ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે સંપન્ન

(પ્રતિનિધિ)ગોધરા, લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ પંચમહાલ પરિવારના સાત ક્લબોની ભવ્ય મેગા ઇન્સ્ટોલેશન સેરેમની ગોધરાના ફેડરેશન હોલ ખાતે શનિવારના રોજ ભવ્ય રીતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાની વિવિધ લાયન્સ ક્લબના સભ્યો અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સદભાવના મિશન ક્લાસની બાળાઓ દ્વારા લાયન ધ્વજવંદના અને સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ગોધરાના વિદાય લેતા પ્રમુખ ડૉ. તાહિર ભટુક અને કાર્યક્રમના કન્વીનર હેમંત વર્માએ સૌનું સ્વાગત કરી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
નવનિયુક્ત હોદ્દેદારોમાં લાયન્સ ક્લબ ગોધરાની પ્રમુખ તરીકે કેતકી સોની, મંત્રી તરીકે હિના ગઢવી અને ખજાનચી તરીકે પારુલ સોનીએ શપથ લીધા હતા. લાયન્સ ક્લબ દાહોદ ગોદી રોડના પ્રમુખ સત્યેન્દ્રસિંહ સોલંકી અને મંત્રી પ્રિતી સોલંકી,
ગોધરા ફાઈવ સ્ટારના પ્રમુખ પ્રિયંકા વર્મા, દાહોદ સીટીના પ્રમુખ કમલેશ લીમ્બાચીયા, દાહોદ એબિલિટી ક્લબના પ્રમુખ મિનેશ પટેલ, ગોધરા કોમર્સ એનસીસી કેમ્પસના પ્રમુખ હર્ષિતા છટવાની અને બામરોલી રોડ કોમર્સ કોલેજ કેમ્પસના પ્રમુખ ધ્રુવ ચૌહાણ સહિત તમામ નવા હોદ્દેદારોને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ભરત શાહ દ્વારા શપથ લેવડાવવામાં આવી હતી અને તેમની જવાબદારીઓ સમજાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજ પરમાર, જે.પી. ત્રિવેદી, પ્રભુ દયાલ વર્મા, ડૉ. ઉપેન દિવાનજી અને અગ્રણી સામાજિક કાર્યકર ફિરદોશ કોઠી એ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. લાયન્સ ક્લબ ગોધરાના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાઓએ પ્રમુખ, મંત્રી અને ખજાનચી તરીકે જવાબદારી સંભાળી મહિલા સશક્તિકરણના દિશામાં મજબૂત પગલાં ભર્યાં છે.
કાર્યક્રમ દરમિયાન શિતલ શાહ, ભક્તિ સોની, હેમા સોની, પુષ્પાબેન પરમાર અને ડૉ. રોહિનીબેન પારગીને નવા સભ્ય તરીકે ક્લબમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા પ્રમુખ કેતકી સોની અને દાહોદ ગોદી રોડના પ્રમુખ સત્યેન્દ્રસિંહ સોલંકીએ આગામી વર્ષ દરમ્યાન ક્લબ દ્વારા હાથ ધરવાનારી સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. આ સમારંભનું સફળ સંચાલન હિરેન દરજીએ કર્યું હતું અને હેમંત વર્મા, શૈલેષ શેઠ, કેતન શર્મા તથા પ્રદિપ સોનીએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી.