Western Times News

Gujarati News

રશિયા અને યુક્રેન ફરી તુર્કીયેમાં આવશે એક ટેબલ પર

નવી દિલ્હી, યુક્રેન અને રશિયા વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ રોકવા માટે અમેરિકાએ મધ્યસ્થી કરવવા માટે અનેક પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહ્યા હતા. ત્યારે ફરી એક વખત આ યુદ્ધનો અંત નજીક આવતો દેખાય રહ્યો છે.

બંને દેશો વચ્ચે શાંતિ વાટાઘાટોના નવો તબક્કો શરૂ થવાની તૈયારીમાં છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે આગામી શાંતિ વાટાઘાટો તુર્કીયેમાં બુધવારે યોજાશે. આ વાટાઘાટોમાં યુદ્ધબંદીઓની અદલાબદલી અને યુદ્ધનો અંત લાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ તેમના તાજેતરના વીડિયો સંદેશમાં જણાવ્યું કે તેમણે યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ પરિષદના નવા નિયુક્ત સચિવ રુસ્તમ ઉમેરોવ સાથે વાતચીત કરી છે. આ વાતચીતમાં યુદ્ધબંદીઓની અદલાબદલી અને તુર્કીમાં રશિયા સાથેની આગામી બેઠકની તૈયારીઓ પર ચર્ચા થઈ હતી.

ઝેલેન્સ્કીએ કહ્યું કે આ બેઠક બુધવારે યોજાવાની છે, જેની વધુ માહિતી આગામી સમયમાં આપવામાં આવશે. ઉમેરોવ, જેઓ અગાઉ યુક્રેનના સંરક્ષણ મંત્રી હતા, તેમણે આ પહેલા રશિયા સાથે બે વખત વાટાઘાટો બેઠકનું નેતૃત્વ કર્યું હતું.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ઝેલેન્સ્કી સાથે વ્યક્તિગત રીતે મળવાનો ઝેલેન્સ્કીનો પ્રસ્તાવ નકારી કાઢ્યો છે.

પુતિનનું કહેવું છે કે ઝેલેન્સ્કી વૈધાનિક નેતા નથી, કારણ કે યુક્રેનમાં ગયા વર્ષે રાષ્ટ્રપતિની મુદત પૂરી થયા બાદ નવી ચૂંટણીઓ યોજાઈ નથી. અહેવાલો પ્રમાણે હાલ સુધી રશિયા તરફથી આ વાતાઘાટોની તારીખની જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, યુદ્ધનો અંત કેવી રીતે લાવવો તે અંગે બંને દેશોના મંતવ્યોમાં મોટો તફાવત છે. આ તફાવત વાટાઘાટોમાં અડચણ બની શકે છે.

યુક્રેન અને રશિયા વચ્ચે આ પહેલા ઇસ્તાંબુલમાં ૧૬ મે અને ૨ જૂનના રોજ બે રાઉન્ડની વાટાઘાટો થઈ ચૂકી છે. આ વાટાઘાટોમાં હજારો યુદ્ધબંદીઓ અને મૃત સૈનિકોના અવશેષોની અદલાબદલી થઈ હતી.

જોકે, યુદ્ધબંધી કે શાંતિ સમજૂતી તરફ કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ સમજૂતી નહીં થાય તો ૫૦ દિવસમાં રશિયા અને તેના નિકાસ ખરીદનારા દેશો પર નવા પ્રતિબંધો લાદવાની ચેતવણી પણ આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.