કૂતરાએ હુમલો કરતાં ગંભીર ઇજાના કારણે ૬ વર્ષીય બાળકીનું મોત

પ્રતિકાત્મક
માંગરોળના જૂનીકોસાડી ગામમાં શ્વાનનો માસૂમ પર ઘાતકી હુમલો -નઘરોળ તંત્ર દ્વારા રખડતા પશુઓના આતંકને દૂર કરવા કોઈ કામગીરી નથી કરવામાં આવતી
સુરત, સુરતમાં દિવસેને દિવસે રખડતા પશુનો આતંક વધી રહ્યો છે. માંગરોળ રખડતા શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. માંગરોળમાં રસ્તે રખડતા ૩-૪ શ્વાને બાળકી પર હુમલો કર્યો. શ્વાનના હુમલાથી બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ગંભીર ઇજાના પગલે ૬ વર્ષીય બાળકીનું મોત નિપજયું. શહેરભરમાં અનેક વખત શ્વાનના હુમલાની ઘટનાઓ સામે આવી છે. રસ્તે જતા રાહદારીઓ રખડતા શ્વાનનો શિકાર બની રહ્યા છે. છતાં નઘરોળ તંત્ર દ્વારા રખડતા પશુઓના આતંકને દૂર કરવા કોઈ કામગીરી નથી કરવામાં આવતી.
માંગરોળમાં શ્વાનના આતંકે વધુ એક માસૂમનો ભોગ લીધો. જૂનીકોસાડી ગામમાં પોતાના પરીવાર સાથે રહેતી માસૂમ બાળકી બહાર રોડ પર રમતી હતી. દરમિયાન અચાનક ૩ થી ૪ જેટલા રખડતા શ્વાન ત્યાં આવી ચઢયા. ૬ વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો.
માસૂમ બાળકીએ શ્વાનના હુમલાથી બચવા પ્રયાસ કર્યા પરંતુ વધુ કંઈ કરી ના શકી. દરમિયાન ત્યાં આસપાસ લોકોને જાણ થતાં તરત જ દોડી આવ્યા. લોકો ભેગા થતા રોડ પર રખડતા શ્વાન ભાગી ગયા. જો કે શ્વાનના ઘાતકી હુમલામાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઘાયલ ૬ વર્ષીય બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જયાં સારવાર દરમિયાન ૬ વર્ષીય બાળકીનું મોત નિપજયું.
અગાઉ પણ શહેરમાં શ્વાનના હુમલામાં ૫ વર્ષીય બાળક અને ૨ વર્ષીયનું મોત થયું હતું. શહેરમાં શ્વાનના આતંકની આ ઘટનાઓ બતાવે છે કે પાલિકા દ્વારા શ્વાનના આતંક સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. સુરતમાં દિવસે દિવસે રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દૈનિક ૧૦૦થી ૧૨૦ શ્વાન કરડવાના કેસ નોંધાઇ રહ્યા છે.