Western Times News

Gujarati News

રિક્ષાચાલક યુનિયનના લોકો જબરદસ્તી આંદોલનમાં ભાગ લેવાનું કહી રહ્યા હતા?

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ પર ઉતરતાં સામાન્ય લોકોને હાલાકી

અમદાવાદ, અમદાવાદમાં ઓટોરિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો હડતાળ સુધી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે, ઓટોરિક્ષા યુનિયને રાત્રે ૧૨ વાગ્યાથી હડતાળની શરૂ કરી છે.

આંદોલનના ભાગરૂપે અમદાવાદની રિક્ષાઓના પૈડા થંભી ગયા છે. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રિક્ષા ચાલકોના આંદોલનના કારણે અમદાવાદમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ, આંદોલનના પગલે રિક્ષાચાલકો પેસેન્જર ભરેલી અન્ય રિક્ષાઓના ખાલી કરાવી રહ્યા છે અને જબરદસ્તી આંદોલનમાં ભાગ લેવાનું કહી રહ્યા છે. આ સાથે જ રિક્ષા ચાલક યુનિયનનું કહેવું છે કે, જો પોલીસ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો, અમદાવાદના રસ્તાઓ પરથી રિક્ષાના પૈડા થંભી જશે.

રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે, પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે પરેશાન કરી રહી છે. રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને ‘ટાર્ગેટ’ પૂરા કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે અને ખોટો દંડ ફટકારવામાં આવે છે.

રિક્ષાચાલકોનું કહેવું છે કે, મોટર વ્હીકલ એક્ટની કામગીરી ફક્ત ટ્રાફિક પોલીસ દ્વારા જ થવી જોઈએ, પરંતુ અન્ય પોલીસકર્મીઓ પણ તેમાં દખલગીરી કરી રહ્યા છે. રિક્ષાચાલકો દાવો કરે છે કે આ પ્રકારની કાર્યવાહી ફક્ત ઓટોરિક્ષા સામે જ કરવામાં આવે છે, જ્યારે બાઈક, ટેક્સી, બસ જેવા અન્ય મુસાફર વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી. યુનિયન દ્વારા પોલીસ પર ટ્રેક્ટર, ટમ્પર, લક્ઝરી જેવા વાહનો પાસેથી પૈસા લેવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જેને તેઓ સખત શબ્દોમાં વખોડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.