સોનુ ખરીદવા માટે હવે પાનકાર્ડ ફરજિયાત
નવી દિલ્હી, જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ તરફથી સોના પર નાંખવામાં આવેલી ઈમ્પોર્ટ ડયુટી ૧૨.૫૦ ટકાથી ઘટાડી ૪ ટકા કરવાની માંગણી અંતર્ગત બજેટ પહેલા જ કેન્દ્ર સરકારે રૂ.૧ લાખથી વધુનું સોનું ખરીદવા માટે પાનકાર્ડ ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણયને પગલે શહેરના જવેલર્સમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. મની લોન્ડરીંગ એકટ હેઠળ દોઢ વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી રૂ.૨ લાખથી વધુની કિંમતનું સોનું રોકડમાં ખરીદી શકાય નહી અને ખરીદવા માટે પાનકાર્ડ ફરજીયાત રજુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દરમ્યાનમાં આજે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી આ લિમિટ દ્યટાડીને રૂ.૧ લાખ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં રાજકોટ પછી સુરત ગોલ્ડ અને ડાયમંડ જવેલરીના ન્યુફેકચરીંગનું હબ ગણાય છે. ગત દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ઘની સ્થિતી સર્જાતા ૧૦ ગ્રામ સોનાના દર રૂ.૪૩ હજારની સપાટી ટચ કરીને હાલ ભાવ નીચે આવ્યો છે. તેવા સંજોગોમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને બજારમાં ખરીદી નીકળી છે ત્યારે જ નવા જાહેરનામાને પગલે શહેરના જવેલર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં યુ.એસ, યુ.કે સહિત દેશમાં નોર્થ અને સાઉથ શહેરોમાં ડિમાન્ડમાં રહેતી મોંદ્યીદાટ જવેલરીઓનું મેન્યુફેકચરીંગ થાય છે. ત્યારે સરકારે રોકડમાં જવેલરી ખરીદવાની લિમિટમાં કરેલા ઘટાડથી રોકાણકારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.