Western Times News

Gujarati News

ઝઘડિયા નજીક એસટી બસ – ઇકો કાર સામસામે અથડાતા બેનાં મોત

ભરૂચ , ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક એક બસ અને ફોર વ્હિલ ઈકો ગાડી વચ્ચેના અકસ્માતમાં બે ઇસમોના મોત થયા હતા, જ્યારે અન્ય બે ઇસમો ઇજાગ્રસ્ત થયા હતા.સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા-રાજપીપળા વચ્ચેના માર્ગ પર વાઘપુરા નજીક એક એસટી બસ અને ઈકો કાર સામસામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.

બસ રાજપીપળા તરફથી ભરૂચ તરફ જઈ રહી હતી અને ઈકો કાર સુરતથી રાજપીપળા તરફ જઈ રહી હતી. વાઘપુરા નજીક બન્ને વાહનો સામસામે અથડાતા ઈકોમાં બેઠેલા શૈલેશભાઈ મણિલાલ પટેલ અને અર્પિત શર્મા (બન્ને રહે. સુરત) ગંભીર રીતે જખ્મી થતા તેમના મોત નીપજ્યા હતા, જ્યારે ઇરફાન શૌકતઅલી અને શરીફખાન ઇરફાનખાન (બન્ને હાલ રહે. સુરત અને મૂળ ઉત્તરપ્રદેશના)ને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને અવિલંબ સરકારી દવાખાને લઈ જવાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા અને રાજપીપળા વચ્ચેનો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ બિસ્માર હાલતમાં હોઇ નાછૂટકે વાહનચાલકો રોંગ સાઇડે જવા મજબૂર બને છે. આ અકસ્માતની ઘટનાને પગલે તાલુકામાં અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી હતી.

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ તદ્દન બિસ્માર બન્યો હોઇ તાલુકાના ઉમલ્લાથી છેક નાનાસાંઝા ફાટક સુધી અંકલેશ્વર-ભરૂચ તરફ જતા વાહનચાલકો મજબૂરીમાં રોંગ સાઇડે વાહનો હંકારતા નજરે પડી રહ્યાં છે.

વધુમાં, ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ નજીક ત્રણ પોલીસ મથકો આવેલાં છે તોય રોંગ સાઇડે દોડતા વાહનો પોલીસને કેમ નજરે નહિ પડતા હોઇ તેવા સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યાં છે.

ઝઘડિયા તાલુકામાંથી ભંગાર માર્ગથી બચવા બિન્દાસપણેથી રોંગ સાઇડ વાહનો બેફામ દોડી રહ્યાં છે છતાંય તાલુકાની પોલીસ દ્વારા કોઈજ નક્કર પગલા લેવાતા નથી તેવી વાતો સ્થાનિકોમાં ચર્ચાય રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.