Western Times News

Gujarati News

બેંકોની હડતાળના લીધે હજારો કરોડનો નાણાંકીય વ્યવહાર ઠપ

અમદાવાદ, પગાર વધારા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઇ દેશભરના બેંક કર્મચારીઓ બે દિવસ માટે હડતાળ પર ઉતરી ગયા છે. ગુજરાતમાં પણ ૬૦ હજારથી વધુ બેંક કર્મચારી હડતાળ પર જતા હજારો કરોડો રૂપિયાનો નાણાંકીય વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં બેંક કર્મચારીઓ ધરણા અને રેલી કરીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. અમદાવાદ ખાતે ઇન્દુચાચાની પ્રતિમા પાસેથી તમામ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓએ વિશાળ રેલી કાઢી સરકાર સામે બાંયો ચઢાવી હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજયા હતા. બે દિવસીય હડતાળના કારણે અમદાવાદમાં પણ કરોડો રૂપિયાના બેકીંગ ટ્રાન્ઝેકશન અને કલીયરીંગ અટવાઇ પડયા હતા. બેંક યુનિયનના કન્વીનર અજય ભદાણી કહ્યું હતું કે, બેંકોની જડબેસલાક હડતાળના પગલે ગુજરાતમાં એક અંદાજ મુજબ ૩૦ હજાર કરોડ રૂપિયાનો નાણાંકીય વ્યવહાર ઠપ્પ થશે. હડતાળ અંગે બેકીંગ યુનિયન્સ તરફથી ૨૧ દિવસ પહેલા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરાઇ હતી.

જો કે, ૨૭ મહિના થઇ ગયા છતા પગાર વધારા મુદ્દે કોઇ હકારાત્મક વલણ સરકાર તરફથી નહી મળતા આ પગલું લેવાની ફરજ પડી છે.અન્ય માંગણીમાં પાંચ દિવસ વર્કીગ બેંકમાં અમલ કરવામાં આવે તેવી પણ છે. આ હડતાળમાં તમામ નેશનલ બેંકના ૯ યુનિયન જોડાયા છે.

હાઇકોર્ટ દ્વારા કરાયેલી ટકોર અંગે યુનિયન કન્વીનરે કહ્યું હતું કે જ્યારે પણ યુનિયનના કર્મચારીઓ હડતાળ પર જાય છે ત્યારે કર્મચારીઓના પગાર કપાત થયા છે. આજે અને આવતી કાલે તમામ ગુજરાતના ૩૦ હજાર હડતાળીયા કર્મચારીઓના પગાર કપાશે. સરકાર યોગ્ય પગલા નહી ભરે તો આગામી મહિનામાં તા.૧૧,૧૨ અને ૧૩ માર્ચના રોજ પણ હડતાળ પડાશે અને પહેલી એપ્રિલના રોજ પણ સમગ્ર દેશમાં હડતાળ પડાશે. અમદાવાદની જેમ જ વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિત શહેરોમાં અને રાજયના અન્ય જિલ્લા-તાલુકા મથકોએ બેંકોની સજ્જડ હડતાળને પગલે આમઆદમીને થોડી ઘણી પરેશાનીનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને વેપાર-ધંધા અને રોજગારવાળાના અગત્યના નાણાંકીય વ્યવહારો અટવાઇ પડયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.