કલોલમાં નવનિર્મિત રેલવે સુરક્ષા બળ (RPF) બેરેકનું ઉદઘાટન

Kalol, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કલોલમાં આવેલ રેલવે સુરક્ષા બળ (RPF) ના નવનિર્મિત બેરેકનું ઉદઘાટન તારીખ 21 જુલાઈ, 2025 ના રોજ શ્રી મનોજ યાદવ, મહાનિદેશક, રેલવે સુરક્ષા બળ (IPS), નવી દિલ્લી દ્વારા કરવામાં આવ્યું. ઉદઘાટન પછી શ્રી યાદવે બેરેકનું નિરીક્ષણ પણ કર્યું, જ્યાં તેમણે ઉપલબ્ધ સુવિધાઓ અને મૂળભૂત માળખાનું અવલોકન કરતાં સંતોષ વ્યક્ત કર્યો.
મંડળ રેલવે પ્રવક્તા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, આ નવું બેરેક 30 પથારીઓની ક્ષમતાવાળું છે, જે પુરૂષ અને મહિલા બંને RPF કર્મચારીઓ માટે નિર્માણ કરવામાં આવ્યું છે. બેરેકમાં અતિઆધુનિક અને ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં આરામદાયક નિવાસ, સ્વચ્છ શૌચાલય, ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા, ભોજનાલય, વિશ્રામગૃહ અને બેઠક રૂમ સામેલ છે. આ ઉપરાંત, જવાનોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં જિમ, મનોરંજન રૂમ (Recreation Hall), વૉલીબૉલ રમવાની જગ્યા (Volleyball Court) જેવી વિશેષ સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ માળખાગત સુવિધાના નિર્માણથી બળના કર્મચારીઓની કાર્યક્ષમતા અને મનોબળ તો વધશે જ, પરંતુ તેમના કામકાજની પરિસ્થિતિઓ પણ ઘણી સુદ્રઢ અને વધુ સુવિધાજનક બનશે.
આ અવસરે પર્યાવરણ સંરક્ષણ પરત્વેની પહેલ તરીકે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ, સ્ટેશન સંકુલ અને રેલવે ટ્રેકનું નિરીક્ષણ વધુ સુદ્રઢ અને નિરંતર બનાવવાના ઉદ્દેશ્યથી 8 પેટ્રોલિંગ મોટરસાયકલોને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ પહેલ સુરક્ષા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા, અપરાધ નિયંત્રણને સુદ્રઢ બનાવવા અને યાત્રીઓને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવા પરત્વેનું એક દૂરંદેશી પગલું છે.
આ કાર્યક્રમમાં શ્રી અજય સાદાની, મહાનિરીક્ષક સહ પ્રમુખ મુખ્ય સુરક્ષા કમીશનર પશ્ચિમ રેલવે, શ્રી લોકેશ કુમાર અપર મંડળ રેલવે મેનેજર અમદાવાદ, શ્રીમતી ભવપ્રીતા સોની, સિનિયર મંડળ સુરક્ષા કમીશનર અમદાવાદ સહિત અન્ય સિનિયર અધિકારીઓ અને RPF કર્મચારીઓ ઉપસ્થિત હતા.