મનરેગા કૌભાંડમાં ભરૂચ નિવૃત્ત ટીડીઓ સહિત ૪ લોકોની અટકાયત

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ચકચારી મનરેગા યોજના કૌભાંડમાં પોલીસે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.જેમાં બે ટેકનિકલ આસિસ્ટન્ટ તથા એક નિવૃત્ત ટીડીઓ અને હાલમાં ફરજ બજાવતા ટીડીઓ મળી કુલ ચાર લોકોની અટકાયત કરી તમામના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જીં્ની ટીમે ધરપકડ કરવામાં આવેલ આરોપીઓમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોયેબ મહંમદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે.ઉપરાંત નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને હાલમાં નેત્રંગમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા મહંમદ સહલ ઈસ્માઈલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રો મુજબ આ સમગ્ર કૌભાંડમાં મનરેગા યોજના હેઠળ કામો ફાળવવા,તેના મજૂરીના ચુકવણાં અને કામોની પૂર્ણતા બાબતે થયેલી ગેરરીતિઓમાં આ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાની શકયતા છે.
હાલમાં પોલીસે ચારેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.તેઓના મેડિકલ રિપોર્ટ સહિતની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કેસમાં અગાઉ હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા,બે એજન્સીઓના સંચાલકો, હાંસોટના કોમ્પ્યુટર ઓપરેટર અને એક વચેટિયા સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ હતી
હાલમાં તેઓ તમામ સબજેલમાં છે.હાલમાં પોલીસે ચારેય લોકોની અટકાયત કરી તપાસ વધુ ઊંડી બનાવી દેવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં ભવિષ્યમાં વધુ અટકાયતો થવાની સંભાવના છે.