કુમકુમ મંદિર દ્રારા શ્રી ગોપાળાનંદસ્વામીની ર૩૯ મી પ્રાગટ્ય જયંતી ઉજવાઈ.
શ્રી ગોપાળાનંદસ્વામીની પાસે મૂંગા આવનાર બાળકો બોલતા થઈ જતા હતા – સાધુ પ્રેમવત્સલદાસજી
શ્રી ગોપાળાનંદસ્વામીની પાસે આવનારના કામ,ક્રોધાદિ દોષો નાશ પામી જતા હતા.
તા.ર – ર – ર૦ર૦ ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સત્સંગ સભા યોજવામાં આવી હતી. અને નવાગામ ખાતેના કુમકુમ મંદિર ખાતે મંદિરનો વાર્ષિક પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી ગોપાળાનંદસ્વામીના જીવન કવન ઉપર કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,
અઢારમી સદીમાં જનસમાજની ઉર્ધ્વગતિ કરવામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રદાન મુખ્યત્વે રહયું છે. તેમણે બનાવેલા ૩૦૦૦ જેટલા સંતોએ ટૂંકાગાળામાં ગુજરાતની ધરતી ઉપર ગામડે-ગામડે વિચરણ કરીને ધૂળમાં પોતાનું આખું આયખું ઘસી નાંખ્યું છે. આ સમગ્ર જહેમતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પછી સૌથી વધુ ફાળો તેમના સંતમંડળના શ્રીજી સંકલ્પ મૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીનો રહયો છે. અને એટલે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વે સંતો – હરિભકતો – આચાર્યો સર્વેના સર્વાધ્યક્ષ તરીકે શ્રી ગોપાળાનંદ સ્વામીને નિમ્યા હતા.અને તે સર્વએ તેમની આજ્ઞામાં રહેવું એમ સૌને આજ્ઞા કરી હતી.
આ ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સંવત્ ૧૮૩૭ ની મહા સુદ – આઠમ ને સોમવારના રોજ ટોરડા ગામે થયું હતું. નાનપણ થી જ તેમણે અનહદ ઐશ્વર્ય તેમની પાસે હિન્દુ, હોય કે પારસી જે કોઈ રડતાં આવે તે હસતાં જતા, ગમે તેવાં આલોકનાં દુઃખો તેમનાં દર્શન માત્રથી ટળી જતાં. ગમે તેવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ દોષો હોય તે તેમની દૃષ્ટિ માત્રે નિવૃત્તિ પામી જતા. તેમની પાસે મૂંગા બાળકો બોલતા થઈ જતા હતા.
સંવત્ ૧૮૬૪ ના કાર્તિક માસની કૃષ્ણપક્ષની અષ્ટમીએ તેમને ગઢપુરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી હતી. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ જીવન પર્યંત સત્સંગની ખૂબ જ સેવા કરી છે. ૨૨ વર્ષ સુધી શ્રીજીમહારાજની સાથે રહી સેવા કરી છે અને ૨૨ વર્ષ સુધી શ્રીજીમહારાજ અંતર્ધાન થયા પછી સત્સંગને સાચવ્યો છે. એવા શ્રીજીસંકલ્પ મૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીને આજે મહાસુદ આઠમના રોજ પ્રગટ થયે ર૩૯ વર્ષ પૂર્ણ થાય છે તો આપણે તેમના ચરણોમાં કોટી – કોટી વંદન કરીએ અને તેમનો મહિમા સમજીએ અને તેમને આપેલા જ્ઞાનને જીવનમાં ઉતારી કૃતાર્થ બનીએ.
ત્યારબાદ કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,આવા શ્રીજીસંકલ્પ મૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ સૌ કોઈ સંપ્રદાયના હરિભકતો તો શું ? મોટા – મોટા સંતો પણ પોતાનું અહોભાગ્ય માનીને કરતા હતા.
જૂનાગઢના મહંત ગુણાતીતાનંદ સ્વામી જેવા ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને જૂનાગઢની મહંતાઈ સોંપી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે હું મહંતાઈનો હાર તો જ પહેરું કે જો ગોપાળાનંદ સ્વામી તેમની દિવ્યવાણી – સમાગમનો લાભ બાર મહિનામાં એક માસ આપે. જો કોઈ વર્ષે ન અવાય તો બીજા વર્ષે બે માસ આવે. મહાપ્રભુએ આ વાત કબૂલ રાખી અને પછીથી કાયમ ગોપાળાનંદ સ્વામી પ્રતિ વર્ષ જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને સમાગમનો લાભ આપવા પધારતા હતા. આવા ગોપાળાનંદ સ્વામીએ સંપ્રદાયમાં સાહિત્ય ક્ષેત્રે પણ અણમોલ સેવા કરી છે. તેમણે ૨૫ થી પણ વધુ શાસ્ત્રોની રચના કરી છે.