હાટકેશ્વર બ્રિજને તોડવા તૈયારીઓ શરુ થઇઃ 6 મહિના લાગશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં વિવાદોનું ઘર અને ચર્ચામાં એરણે ચડેલ હાટકેશ્વર બ્રિજને લઇ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં તાજેતરમાં તંત્ર દ્વારા અંદાજે ૪ કરોડનાં ખર્ચે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તોડવાનું ટેન્ડર મંજુર કર્યું હતું. આ તરફ હવે અમદાવાદનાં આ વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડવા તૈયારીઓ શરુ થઇ ગઈ છે.
એએમસી દ્વારા આખરે બ્રિજને તોડી પાડવા જેસીબી અને હિટાચી મશીન મૂકવામાં આવ્યા છે. આ તરફ હવે ટૂંક સમયમાં હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરુ થઇ શકે છે. તાજેતરમાં વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ એએમસીએ આળસ ખંખેરી છે. મેટ્રો સીટી અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ ગણેશ એજન્સીને સોંપાયું છે.
નોંધનીય છે કે, આ બ્રિજ સરેરાશ રૂ. ૪૨ કરોડના ખર્ચે બન્યો હતો. જોકે હવે આ બ્રિજને ૪ કરોડના ખર્ચે તોડવામાં આવશે. આ કામગીરી ૬ મહિનાની અંદર પૂર્ણ થશે. જોકે તેના સ્થાને નવો બ્રિજ બનાવવા અંગે એએમસીની કોઈ વિચારણા નહીં હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદનાં હાટકેશ્વર બ્રિજ તોડવા મામલે સ્થાનિકોનું નિવેદન પણ સામે આવ્યું છે.
સ્થાનિકો કહી રહ્યા છે કે, બ્રિજને કારણે ખૂબ હેરાન થયા હવે તૂટશે પછી રાહત થશે. આ સાથે કેટલાક લોકો કહી રહ્યા છે કે, બ્રિજ બનાવ્યો જ ખોટો હતો, ખોટા આટલા વર્ષો હેરાન કર્યા, બ્રિજ તોડી જેમ રસ્તો હતો તેવો કરી દેવાય તો સારું. આ સાથે સ્થાનિકો કહી રહ્યા છે કે, બ્રિજ તોડવાની કામગીરી જલ્દી થવી જોઈએ નહિ તો બ્રિજ તોડવામાં નિર્ણય લેવા જેટલો સમય લેશે તેટલું હેરાન થઈશું.
મેટ્રો સીટી અમદાવાદમાં ચર્ચાનાં એરણે ચડેલ હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ ગણેશ એજન્સીને સોંપાયું છે. પ્રાથમિક વિગતો મુજબ ૪ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ તોડવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હવે આળસ ખંખેરી બ્રિજ મામલે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં નિર્ણય લીધો છે. આ કામગીરી ૬ મહિનાની અંદર પૂર્ણ થશે.