Western Times News

Gujarati News

એર ઈન્ડિયાના પ્લેનની ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતીઃ અમેરિકાની FAAએ કર્યો ઘટસ્ફોટ

File Photo

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનો તપાસ રિપોર્ટ જાહેર થયો છે. જેમાં જણાવ્યું છે કે, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામી જોવા મળી નથી, જેને એર ઇન્ડિયા બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરના ક્રેશનું કારણ માનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

૧૨ જૂને અમદાવાદથી ટેકઓફ થયાના બે મિનિટમાં જ ધડાકાભેર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના એર ઇન્ડિયાના તાજેતરના ઇતિહાસમાં સૌથી ખતરનાક વિમાન દુર્ઘટના તરીકે વર્ણવવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, એફએએ એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે વિસ્કોન્સિનમાં આયોજિત એક એવિએશન કાર્યક્રમ દરમિયાન પત્રકારોને જણાવી રહ્યા હતાં કે, તપાસકર્તાઓને ફ્યુલ સિસ્ટમ યુનિટમાં ખામીના કોઈ સંકેતો મળ્યા નથી. તેમજ ફ્યુલ સ્વિચમાં અનિચ્છનીય હેરફેરના પણ કોઈ પુરાવા મળ્યા નથી.

અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે, આ ફ્યુલ કંટ્રોલમાં અજાણતા થયેલી ગરબડનો મામલો નથી. મિકેનિકલ ખામીની કોઈ સંભાવના જોવા મળી નથી.ભારતના એરક્રાફ્‌ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અમેરિકાની એનટીએસબીની સાથે મળી તપાસ કરી રહ્યું છે.

તેના પ્રારંભિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, બંને ફ્યુલ કંટ્રોલ સ્વિચ – જે એન્જિનમાં ફ્યુલના પ્રવાહને નિયંત્રિત કરે છે, તે ટેકઓફ બાદ ‘કટઓફ’ની સ્થિતિમાં આવી ગઈ હતી. જેના કારણે એન્જિનમાં ફ્યુલનો સપ્લાય અચાનક બંધ થઈ ગયો હતો. જોકે ૧૦ સેકન્ડમાં સ્વિચ ‘રન’ સ્થિતિમાં પાછી આવી હતી. પરંતુ એન્જિન સમયસર થ્રસ્ટ પાછું મેળવી શક્યું નહીં.

કોકપિટ વોઇસ રેર્કોડિંગમાં, એક પાઇલટ બીજાને ફ્યુલ સ્વિચની ગતિવિધિ વિશે પૂછે છે, જ્યારે બીજો પાઇલટ તેનો ઇનકાર કરતો હોય તેવું જણાતા તારણ મેળવાયું હતું કે, ફ્યુલ કંટ્રોલ સ્વિચ બંધ અથવા અટવાઈ જતાં ફ્યુલ સપ્લાય બંધ થયો હતો. જો કે, તપાસકર્તાઓ હજુ સુધી નક્કી કરી શક્યા નથી કે આ વાતચીત ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે કરી હતી કે કેપ્ટન સુમિત સભરવાલ દ્વારા. વિસ્તૃત તારણો હજુ સુધી જાહેર થયા નથી. છછૈંમ્ તપાસ કરી રહ્યું છે કે માનવ ભૂલ, કોમ્યુનિકેશનના અભાવે અથવા સિસ્ટમ સંબંધિત ખામીને કારણે સ્વિચની ગતિવિધિ બંધ થઈ હતી કે કેમ?

ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ૧૪ જુલાઈના રોજ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત બોઇંગ ૭૮૭ અને ૭૩૭ વિમાનના ફ્યુલ કંટ્રોલ સ્વિચ પર લોકીંગ મિકેનિઝમનું તાત્કાલિક નિરીક્ષણ ફરજિયાત કર્યું હતું. જેના અનુપાલનની છેલ્લી તારીખ ૨૧ જુલાઈ નક્કી કરવામાં આવી હતી. સ્વિચ કંટ્રોલ સિસ્ટમની તપાસના આદેશ આપ્યા હતાં.

એર ઇન્ડિયાએ તેના તમામ વાઇડબોડી અને નેરોબોડી કાફલાનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે, જેમાં કોઈ અનિયમિતતા નોંધાઈ નથી. બોઇંગ અને એફએએએ જણાવ્યું હતું કે લોકીંગ મિકેનિઝમ સહિત વર્તમાન સિસ્ટમ સલામત છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે ડિઝાઇનમાં કોઈ ફેરફારની જરૂર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.