મહીસાગરમાં લોકો જીવના જોખમે લાકડાની સીડી પરથી પસાર થવા મજબૂર

વારંવાર એક રસ્તો બનાવવાની રજૂઆત છતાં આ વિસ્તારની વરવી વાસ્તવિકતા વર્ષોથી એમ ને એમ યથાવત છે
મહીસાગર, આઝાદીના આટલા વર્ષો પછી પણ ‘વિકસિત ગુજરાત’ના અનેક વિસ્તારો વિકાસની રાહમાં તરસી રહ્યા છે. આજે એવા જ એક અવિકસિત વિસ્તાર લુણાવાડા તાલુકાની વાત કે, જ્યાં આજે પણ અહીંના સ્થાનિક લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ અને મુખ્ય રસ્તા સુધી પહોંચવું પડે છે.
બાળકોને કોતરમાં ઉતરી કે પછી કોતર પર મુકવામાં આવેલ લાકડાની સીડી પર થઈ જીવના જોખમે શાળાએ પહોંચવું પડે છે. આવી જ વિકસિત ગુજરાતમાં વરવી વાસ્તવિકતા છે રાયણના મુવાડા અને મઠ પાદેડી ગામની.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાયણના મુવાડા ગામથી મઠ પાદેડી ગામ સુધી જવા માટે લોકો જીવના જોખમે સફર કરી રહ્યા છે. મઠ પાદેડી ગામના ધામોદ તેમજ પાંડ્ડોર ફળિયાના ૬૦થી પણ વધુ ઘરના આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામના ૨૫૦થી વધુ માણસો જીવના જોખમે કોતર પસાર કરે છે. બારે માસ અહીં ઘૂંટણ સમા પાણી ભરેલા હોય છે જેમાં ઝેરી સાપ સહિત મગરનો પણ ખતરો હોય છે.
અહીંના દૂધ ભરતા પશુપાલકો, ખેડૂતો અને ગામની મહિલાઓને પણ પોતાના ઘરકામની વસ્તુઓ લેવા પણ આજ રસ્તે પસાર થવું પડે છે. મધરાત કોઈ બીમાર હોય તો ૧૦૮ છેક દોઢ કિમી દૂર સુધી આવે છે. સગર્ભા કે બીમાર દર્દીને દોઢ કિમી પગપાળા કાપવાના પછી પાકો રસ્તો જોવા મળે છે. ગામમાંથી ૪૦થી ૪૫ બાળકો બહાર ભણવા માટે જાય છે. બાળકોનો અભ્યાસ બગડે નહિ તેથી ગ્રામજનોએ કોતર પર લાકડાની સીડી બનાવીને વ્યવસ્થા કરી આપી છે.
આઝાદીના આટલા વર્ષો પછી પણ ૩૦ વર્ષના વિકાસની વાતો વચ્ચે એક ગામ એવું પણ છે જે આજે પણ પ્રાથમિક જરૂરિયાતથી વંચિત છે, ત્યાં હજી વિકાસ તો દૂર વિકાસની વાત પણ પહોંચી નથી.
કેમ કે અહીં પહોંચવા માટે રસ્તો જ બન્યો નથી અને લોકોને મહામુસીબતે જીવના જોખમે લાકડાની એક સીડી પરથી પસાર થવાની ફરજ પડી છે. જેથી આવા ડિજિટલ યુગમાં અહીંના સ્થાનિક લોકો આઝાદી પૂર્વે જીવતા હોય તેવું અનુભવી રહ્યા છે.
આ પરિસ્થિતિને કારણે ગામ લોકો દ્વારા કોતરમાં નાળુ નાખી નાનું પુલીયું બનાવવાની રજૂઆતો અનેકવાર તંત્ર પાસે કરવામાં આવી છે, છતાં પણ કોઈ જ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. જેથી ગામ લોકોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, આ ગામનો ક્્યારે વિકાસ થાય છે અને ક્્યારે પાકો રસ્તો અને નાનું પુલીયું બનાવવામાં આવે છે. જેથી ગ્રામજનો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ અને મુખ્ય રસ્તા સુધી પહોંચે છે.