18 કિલો ગાંજા સાથે ઓડિશાના ૬ ઇસમો સુરતમાં ઝડપાયા

પ્રતિકાત્મક
કુલ કિંમત રૂ. ૨.૧૪ લાખ થાય છે, સાથે જ ૬ આરોપીઓને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત, સુરતઃ શહેરમાં નશાખોરી સામે પોલીસના ઝંઝાવાતી અભિયાન અંતર્ગત પાંડેસરા પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. શહેરમાં નાર્કોટિક્સ પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાના મહત્વપૂર્ણ પગલા રૂપે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફે ૧૮ કિલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. જેની કુલ કિંમત રૂ. ૨.૧૪ લાખ થાય છે, સાથે જ ૬ આરોપીઓને ઝડપી પાડી પોલીસે દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાંડેસરા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફે પીયુષ પોઇન્ટથી પોલીસ કોલોની તરફ જતાં રોડ પર રેડ યોજી હતી. અહીં લીલા-પીળા કલરની ઓટોરિક્ષામાં સવાર છ ઇસમો મળી આવ્યા હતા, જેમણે ઓડિશા રાજ્યથી ટ્રેન મારફતે ૧૮ કિલો ૫૩૦ ગ્રામ ગાંજો સુરત લાવ્યો હતો. જે આ રેડ દરમિયાન પોલીસે કબજે કર્યો છે. આ ગાંજાની અંદાજિત કિંમત રૂ. ૧,૮૫,૩૦૦ થાય છે.
આ સિવાય પોલીસે આરોપીઓ પાસેથી ૫ નંગ મોબાઇલ ફોન અને ટ્રોલી બેગ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેકશન કાર્ડ વગેરે માલ-સામાન કબજે લીધો છે. આ રેડમાં પકડાયેલા આરોપીઓની ઓળખ ઓડિશાના રહેવાસીઓ તરીકે થઈ છે. જેઓ ખાસ કરીને ઓડિશાના ગંજામ જિલ્લાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રહેતા હતા.
આરોપીઓની ધરપકડ બાદ પોલીસ પુછપરછમાં એવી પણ જાણકારી સામે આવી છે, ‘તેઓએ નશીલા પદાર્થો સુરતના શાંતાનગર વિસ્તારમાં રહેતા નારાયણ નિલકંઠ બિસોઇ માટે લાવ્યા હતા. પોલીસે તેને પણ ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જોકે આ કેસમાં એક આરોપી જતીન રંજન ગૌડા ફરાર હતો તેને પણ પોલીસે મોડી રાત્રે ઝડપી પાડવામાં સફળતા મળી છે.
આ સમગ્ર કેસ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૫૨૫૩૨૬૧/૨૦૨૫ હેઠળ દ્ગડ્ઢઁજી એક્ટ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૦(બી)(ૈ)(બી), ૨૯ મુજબ ગુનો નોંધી પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી શરૂ કરી અને વધુ તપાસ ચાલુ છે.