“ફકત ખાઓ, પીઓ અને મોજ કરો એ જીવનનું લક્ષ્ય નથીઃ જીવન ઉદ્દેશ્યહિન ન હોવું જોઈએ”

જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનો અભિગમ ધરાવે છે, તે જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે ડી.લીટ્. અને સુવર્ણપદક પુરસ્કાર અર્પણ સમારોહ યોજાયો : શિક્ષણ અને સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર મહાનુભાવોને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અપાઈ ડી.લીટ્. ની માનદ પદવી
પ્રો. કપિલ કપુર અને શ્રી પ્રો. ઈન્દુમતી કાટદરેનું જીવન સમગ્ર દેશ અને માનવજાત માટે માર્ગદર્શક બને તેવું છે : વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ડી. લીટ્. પદવીદાન અને સુવર્ણ પદક એનાયત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલશ્રીના વરદ હસ્તે પ્રો. કપિલ કપૂર અને પ્રો. ઈન્દુમતી કાટદરેને ડી. લીટ્. ની પદવી આપવામાં આવી હતી.
પ્રોફેસર ઇન્દુમતી કાતદરે (ઇન્દુતાઈ) એક પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી અને ભારતીય શિક્ષણ પ્રણાલીના પુનરુત્થાન માટે સમર્પિત કાર્યકર છે. તેમણે પોતાનું જીવન શિક્ષણ દ્વારા ભારતના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે સમર્પિત કર્યું છે.
શિક્ષણ ક્ષેત્રે મુખ્ય સિદ્ધિઓ અને યોગદાન:
-
શુભારંભ અને વિદ્યા ભારતી: તેમણે 1971માં અંગ્રેજી શીખવવાનું શરૂ કર્યું, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ વિદ્યા ભારતી સાથે જોડાયા, જ્યાં તેમણે દેશભરમાં શિશુ વાટિકા પ્રણાલીની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી.
-
પુનરુત્થાન વિદ્યાપીઠ: 2004માં, તેમણે પુનરુત્થાન ટ્રસ્ટની સ્થાપના કરી, જે આજે સંસ્કૃતિ અને સમાજ સાથે જોડાયેલી શિક્ષણ પ્રણાલી માટે એક અગ્રણી થિંકટેન્ક બની ગયું છે. હાલમાં તેઓ અમદાવાદમાં પુનરુત્થાન વિદ્યાપીઠના કુલપતિ તરીકે કાર્યરત છે.
-
ગુરુકુળ પ્રણાલીનું પુનરુત્થાન: તેમણે શિક્ષણ પર વિવિધ કાર્યો પ્રકાશિત કર્યા છે અને ગુરુકુળ શિક્ષણ પ્રણાલીને પુનર્જીવિત કરવા માટે સફળ પ્રયોગો કર્યા છે. તેમનું માનવું છે કે શિક્ષણનો હેતુ માત્ર પૈસા કમાવવાનો કે ડિગ્રી મેળવવાનો ન હોવો જોઈએ, પરંતુ જીવનનો સર્વાંગી વિકાસ કરવાનો હોવો જોઈએ.
-
લેખન કાર્ય: તેમણે શિક્ષણ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા વિષયો પર 1,000થી વધુ પુસ્તકો લખ્યા છે.
-
પુરસ્કાર અને સન્માન: શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને 2024માં ‘બાયા કર્વે પુરસ્કાર’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમનું કાર્ય ભારતીય જ્ઞાન પરંપરાને પુનઃસ્થાપિત કરવા અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાંથી શિક્ષણને મુક્ત કરવા પર કેન્દ્રિત છે. તેઓ માતા-પિતાને બાળકના પ્રથમ શિક્ષક તરીકે અને ઘરને બાળકના ઘડતરમાં મહત્વપૂર્ણ માને છે.
રાજ્યપાલશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીની જુદી જુદી ૧૦ થી વધારે વિદ્યાશાખાઓના ૩૫૯ વિદ્યાર્થીઓને ૪૪૪ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડી.લીટ્. અને સુવર્ણચંદ્રક અર્પણ સમારોહમાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનો અભિગમ ધરાવે છે તે વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે.
” સા વિદ્યા યા વિમુક્તયે ” શ્લોકના માધ્યમથી તેમણે ભારતની જ્ઞાન પરંપરા, ઋષિ પરંપરાને ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવી ભારતના દર્શનશાસ્ત્ર, તત્વજ્ઞાન અને કેળવણીનો વિસ્તૃત પરિચય કરાવ્યો હતો. વેદમાં વિદ્યાના બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે જેમાં પરંપરાગત શિક્ષણને અપરા વિદ્યા કહેવાઈ છે. જ્યારે જીવનદર્શન શીખવતા અધ્યાત્મને પરા વિદ્યા કહેવાઇ છે. કોઈપણ વ્યક્તિ આ પરંપરાગત શિક્ષણ અને અધ્યાત્મજ્ઞાન એમ બંને વિદ્યા દ્વારા જ જીવનમાં ધર્મ, અર્થ અને કામના પુરુષાર્થ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
ભારતીય જ્ઞાન પરંપરા રોટી, કપડાં અને મકાનની ભૌતિક સુવિધાઓના દ્રષ્ટિકોણથી આગળ વધી આત્માને ઓળખી મોક્ષ પ્રાપ્તિ સુધીની સાધના-આરાધનાનું મહત્વ સમજાવે છે. આપણી જ્ઞાન પરંપરા કર્મના સિદ્ધાંત, અધ્યાત્મવાદ અને તત્વજ્ઞાન આધારિત છે જે જીવન મૂલ્ય શીખવે છે.
ફકત ખાઓ, પીઓ અને મૌજ કરો એ જીવનનું લક્ષ્ય નથી. આ પૃથ્વી પર જડ-ચેતન સહિત કોઈપણ વસ્તુ ઉદ્દેશ્ય વિનાની નથી. તો આપણું જીવન ઉદ્દેશ્યહિન ન હોવું જોઈએ. આ શરીર, આ જીવન થકી ધર્મ ,અર્થ કામ અને અંતે મોક્ષ માર્ગની આધ્યાત્મિક સફરને ઓળખવી પડે, આત્મા એજ પરમાત્મા છે એ માનવ જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ.
આપણી સંસ્કૃતિ “સર્વે ભવંતુ સુખિનઃ ” અને “વસુધૈવ કુટુંબકમ્” ની છે. માનવતાથી મોટો કોઇ ધર્મ નથી અને વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની વિરાસત, જીવન મૂલ્ય, જ્ઞાન પરંપરા જીવનનો હિસ્સો બની રહે એ માટે એના પુનઃ સ્થાપનનું ભગીરથ કાર્ય કર્યું છે. જેમાં આપણે સૌ સહભાગી બની માનવજીવનનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરીએ એવી તેમણે અપીલ કરી હતી.
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ભાગ્યશાળી દિવસ છે કારણ કે પાટણની ધરા પર કાર્યક્રમ થઈ રહ્યો છે. મને માનનીય કપિલ કપુરજીને સન્માનિત કરવાનું સદભાગ્ય મળ્યું અને શ્રી પ્રો. ઈન્દુમતી કાટદરેનું જીવન ઉત્તર ગુજરાત માટે નહીં, પરંતુ સમગ્ર દેશ અને માનવજાત માટે માર્ગદર્શિકા બની શકે તેવું છે.
હું પ્રત્યક્ષ રીતે તેનો સાક્ષી છું, તેમણે આપેલ વિચારો અને બાળ સાહિત્યમાં તેમનું પ્રદાન જીવન ઘડતર માટે બહુમૂલ્ય છે. સરસ્વતી શિશુ મંદિર જેમાં બાળકોને ઉત્તમ સંસ્કારો આપવામાં આવે છે. શિક્ષકોને પણ શિક્ષિત કરીને ભારતીય જીવન પદ્ધતિ અને મૂલ્યવાન પદ્ધતિ સહિતના સંસ્કારો આપવાનું કામ થાય છે. શિશુ મંદિરમાં તૈયાર થયેલા વિધાર્થીઓ સમગ્ર દેશમાં અલગ પ્રકાશ પાડી રહ્યા છે. જેનાથી સમાજ જીવનમાં બદલાવ આવી રહ્યા છે. મારી દીકરીઓ પણ સરસ્વતી શિશુમંદીરમાં અભ્યાસ કરીને તૈયાર થઈ છે એટલે પ્રત્યક્ષ રીતના આ સંસ્કારો આજે પણ હું અનુભવી રહ્યો છું.
અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે, હું રાજયપાલશ્રીને વૈજ્ઞાનિક તરીકે પણ ઓળખું છું. રાજ્યપાલશ્રી પ્રાકૃતિક કૃષિના માધ્યમથી સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે મોટો બદલાવ લાવી રહ્યા છે. જેના લીધે કેન્સરમુક્ત સમાજનું અભિયાન સાર્થક થઈ રહ્યું છે.
આ પ્રસંગે શ્રી જયંતિભાઈ ભાડેસિયા, ડૉ. કે.સી પોરિયા, કુલપતિ શ્રી હેમ.ઉ.ગુ.યુનિ., જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વદનસિંહ બોડાણા, પ્રો. ઈન્દુમતી કાટદરે, કુલ સચિવ શ્રી ડૉ.રોહિત દેસાઈ, યુનિવર્સિટીના ઇ.સી. મેમ્બર્સ, પ્રાધ્યાપકગણ, વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.