Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિટલો દર્દીઓને રૂપિયા ખંખેરવાનું એટીએમ સમજે છે: હાઇકોર્ટ

ગાંધીનગર, ખાનગી હોસ્પિટલો દર્દીઓને નાણા પડાવવા માટેનું એટીએમ મશીન સમજે છે. હોસ્પિટલોમાં સારવારના પુરતા સાધનો નથી હોતા, ડોક્ટરો પણ નથી હોતા છતા દર્દીઓને દાખલ કરી દેવામાં આવે છે કેમ કે ખાનગી હોસ્પિટલો દર્દીઓને એટીએમ મશીન સમજે છે. આ આક્રામક ટિપ્પણી અલ્લાહાબાદ હાઇકોર્ટે સારવારમાં બેદરકારીના એક કેસની સુનાવણી દરમિયાન કરી હતી.

હાઇકોર્ટે સારવારમાં બેદરકારી બદલ ક્રિમિનલ કેસનો સામનો કરી રહેલા ડોક્ટરની અરજી ફગાવી હતી. સાથે જ લોકોને બેફામ લૂટતી હોસ્પિટલો પર આ ટિપ્પણી કરી હતી.

ઉત્તર પ્રદેશમાં એક સગર્ભા મહિલાની સારવારમાં બેદરકારી બદલ વર્ષ ૨૦૦૮થી ક્રિમિનલ કાર્યવાહીનો સામનો કરી રહેલા ડોક્ટર અશોક કુમાર રાય દ્વારા કેસ રદ કરવાની માગ સાથે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી. ડોક્ટર અશોક કુમાર પર આરોપ હતો કે તેણે ગર્ભવતી મહિલાને સુવિધા ના હોવા છતા સારવાર માટે દાખલ કરી, મહિલાની સર્જરી કરવાની હતી જેમાં ચારથી પાંચ કલાક મોડુ કર્યું, જેને કારણે બાળકનું મોત થઇ ગયું.

સર્જરી સવારે ૧૧ વાગ્યે કરવાની હતી, પરિવારે મંજૂરી પણ આપી દીધી હતી જોકે મહિલાને બેભાન કરવા માટે એનેસ્થેટિસ્ટ ન હોવાથી બાદમાં બહારથી બોલાવવામાં આવ્યો, આ દરમિયાન પાંચ કલાકનો સમય વીતી ગયો જેથી બાળકનું મોત નિપજ્યું.

બાદમાં જ્યારે પરિવારજનોએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું તો ડોક્ટરના માણસોએ મારપીટ કરી દીધી. આ સમગ્ર મામલો વર્ષ ૨૦૦૭નો છે, તે સમયે ડોક્ટરે મહિલા પાસેથી ૮૭૦૦ રૂપિયા લીધા હતા અને બાદમાં વધારાના ૧૦ હજાર માગ્યા હતા જે ના આપતા ડિસચાર્જ સ્લિપ આપવાની ડોક્ટરે ના પાડી દીધી હતી. બાદમાં પરિવારે ડોક્ટરની સામે આઇપીસીની કલમ ૩૦૪એ, ૩૧૫, ૩૨૩ અને ૫૦૬ની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. ડોક્ટરે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે મેડિકલ બોર્ડે ક્લીનચિટ આપી દીધી છે અને સારવારમાં કોઇ ભુલ ના થઇ હોવાની સ્પષ્ટતા કરી છે.

જ્યારે પીડિત પરિવાર તરફથી હાઇકોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે મેડિકલ બોર્ડની સામે પીએમ રિપોર્ટ જ રજુ કરાયો નહોતો. સારવારમાં મોડુ થવાને કારણે જ ગર્ભમાં બાળકનું મોત થયું. બન્નેની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે નોંધ્યું હતું કે મેડિકલ બોર્ડની સામે મહત્વના દસ્તાવેજો રજુ જ નહોતા કરાયા, એનેસ્થેટિસ્ટને પણ બહુ જ મોડા બોલાવાયો હતો, જે દર્શાવે છે કે સારવાર માટે તૈયારી જ નહોતી કરવામાં આવી. આ એક ક્લાસિક કેસ છે, ડોક્ટર દર્દીને સારવાર માટે દાખલ કરી નાખે છે, પરિવારની મંજૂરી પણ લઇ લે છે પરંતુ સમયસર ઓપરેશન નથી થતું, કેમ કે સર્જરી માટે પુરતી સુવિધા જ નહોતી. કોઇ જ કારણ વગર ઓપરેશનમાં ચારથી પાંચ કલાકનું મોડુ કરાયું, સાબિત થાય છે કે ડોક્ટરે દર્દી સાથે છેતરપિંડી કરી છે.

હાલમાં ખાનગી હોસ્પિટલો, ન‹સગ હોમ સુવિધા કે સ્ટાફના અભાવમાં પણ દર્દીઓને દાખલ કરી લે છે, જ્યારે દર્દી દાખલ થઇ જાય ત્યારે ડોક્ટરોને બહારથી બોલાવવા લાગે છે, જગજાહેર છે કે ખાનગી હોસ્પિટલો, ન‹સગ હોમ દર્દીઓને રૂપિયા પડાવવા માટેનું એટીએમ મશીન માને છે.

આ કેસમાં ડોક્ટરની સામે ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ કરાયો હતો જે ૧૬ વર્ષથી પેન્ડિંગ છે. હાલમાં ડોક્ટરને કોઇ પણ પ્રકારની રાહત આપવાની હાઇકોર્ટે ના પાડી દીધી છે. જેથી હવે ડોક્ટરની સામે આ મામલે ટ્રાયલ ચાલશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.