Western Times News

Gujarati News

1000 ITIને હબ-એન્ડ-સ્પોક મૉડેલનો ઉપયોગ કરીને ₹60,000 કરોડના રોકાણ સાથે અપગ્રેડ કરાશે

કૌશલ્ય વિકાસ મંત્રાલયે ITI અપગ્રેડેશનના ઉદ્દેશથી ગુજરાતમાં કર્યું રાજ્ય-સ્તરીય વર્કશોપનું આયોજન

ગાંધીનગર24 જુલાઈ: ભારત સરકારનું કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) ભારતભરમાં વ્યાવસાયિક તાલીમ માળખાને આધુનિક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસોના ભાગરૂપે MSDEએ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સાથે મળીને IIT-ગાંધીનગર કેમ્પસમાં સ્થિત NAMTECH કેમ્પસ ખાતે નેશનલ સ્કીમ ફોર ITI અપગ્રેડેશનના રાજ્ય-સ્તરીય વર્કશોપ અને પરામર્શનું આયોજન કર્યું.

આ વર્કશોપ ઉદ્યોગ અને તાલીમ ઇકોસિસ્ટમના મુખ્ય હિસ્સેદારો સાથે યોજનાબદ્ધન પરામર્શ શરૂ કરવા માટેનું પ્લેટફૉર્મ બન્યું હતું. તેનો ઉદ્દેશ અપેક્ષાઓ મુજબ યોજના બનાવવાનો અને નેશનલ સ્કીમ ફોર ITI અપગ્રેડેશનના સફળ અમલીકરણ માટે ઇનપુટ્સ એકત્રિત કરવાનો હતો.

ભારતની કૌશલ્ય ઇકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ઉદ્યોગોના જોડાણ પર ભાર મૂકતાં MSDEના સચિવ શ્રી રજિત પુન્હાનીએ જણાવ્યું હતું કે, “ITI અપગ્રેડેશન યોજના ફક્ત ઇમારતોને અપગ્રેડ કરવા અંગેની નથી, પણ તેનાથી પણ આગળ આકાંક્ષાઓને અપગ્રેડ કરવા, તેને સાકાર કરવા માટે છે. તે કેન્દ્ર, રાજ્યો અને ઉદ્યોગને એક કો-લીડરશિપ મોડેલમાં એકસાથે લાવે છે જે સુસંગતતા, ગુણવત્તા અને વૈશ્વિક સ્તરની તૈયારીને પ્રાથમિકતા આપે છે.

ઉદ્યોગની સમાન ભાગીદારીથી અમે વ્યાવસાયિક તાલીમ માટે એક નવી બ્લુપ્રિન્ટ બનાવી રહ્યા છીએ જે માંગ-આધારિત અને ભવિષ્યલક્ષી ન. આ મિશન પ્રત્યે ગુજરાતનું નેતૃત્વ અને પ્રતિબદ્ધતા કેન્દ્ર-રાજ્ય-ઉદ્યોગા સહયોગની પરિવર્તકારી સંભાવનાને પ્રતિબિંબિત કરે છે.”

વર્કશોપની મુખ્ય બાબત હતી- યોજનાના અમલીકરણ માટે ગુજરાતની તૈયારી અને તેની હાલની સ્થિતિ. રાજ્ય વિભાગે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાંથી સહભાગીઓને માહિતગાર કર્યા હતા, જેમાં સંભવિત ક્લસ્ટરો અને પાયલોટ રોલઆઉટ માટે સમયમર્યાદાનો સમાવેશ થાય છે.

ITI અપગ્રેડેશન યોજના હેઠળ 1000 આઈટીઆઈને હબ-એન્ડ-સ્પોક મૉડેલનો ઉપયોગ કરીને ₹60,000 કરોડના કુલ રોકાણ સાથે અપગ્રેડ કરવામાં આવશે. MSDEના અધિક સચિવ શ્રીમતી સોનલ મિશ્રાએ ITI અપગ્રેડેશન યોજના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “ગુજરાત આ પરિવર્તન માટે પાયલોટ રાજ્ય તરીકેની આગેવાની લેશે. અમે પરિણામ-આધારિત SOPને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. અપગ્રેડ થયેલી ITI ઉદ્યોગ-સંરેખિત અભ્યાસક્રમ, વ્યવહારુ તાલીમ અને મજબૂત પ્લેસમેન્ટ લિંક્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી દરેક વિદ્યાર્થી ભવિષ્યના કાર્યબળ માટે તૈયાર બને એ સુનિશ્ચિત કરી શકાય.”

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મુખ્ય સચિવ ડૉ. વિનોદ રાવે મજબૂત કાર્યબળ અને આર્થિક વૃદ્ધિ માટે રાજ્યના વિઝનની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, “ગુજરાત 2030 સુધીમાં $1 ટ્રિલિયન અર્થતંત્ર બનવાની ઉચ્છા ધરાવે છે, અને આ હાંસલ કરવા માટે આપણે આગામી પાંચ વર્ષમાં વધુ એક કરોડ લોકોને કાર્યબળમાં લાવવાની જરૂર પડશે. અમે કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી 42% થી વધારીને 75% કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ લક્ષ્યને આગળ ધપાવવા માટે અમારું લક્ષ્ય સ્કિલિંગ, અપસ્કિલિંગ અને રિસ્કિલિંગ પહેલો માટે ખાનગી ક્ષેત્રમાં ₹50,000 કરોડનું રોકાણ એકત્ર કરવાનું છે.”

અન્ય સત્રોમાં અભ્યાસક્રમની કો-ડિઝાઈન, સાધનોના આધુનિકીકરણ, CSR અને ફંડિંગ સહયોગ માટે ઉદ્યોગ ભાગીદારીને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને માપી શકાય તેવા પરિણામની મેટ્રિક્સ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઉદ્યોગના પરિપ્રેક્ષ્ય સત્રમાં અગ્રણી કંપનીઓ તરફથી મજબૂત ભાગીદારી જોવા મળી, જેમાં કૌશલ્ય વિકાસમાં સહિયારી માલિકીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આમાં ITI પ્રતિનિધિઓ દ્વારા ગ્રાઉન્ડ-લેવલ જરૂરિયાતો, માળખાગત સુવિધાઓના અંતર અને તાલીમ ક્ષમતા વૃદ્ધિ પર ઇનપુટ્સ આપવામાં આવ્યા હતા.

7 મે, 2025ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે સમગ્ર દેશમાં 1000 ITSsને અપગ્રેડ કરવા માટે પાંચ વર્ષમાં ₹60,000 કરોડના ખર્ચ સાથે ITI અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી. તેનો ઉદ્દેશ વ્યાવસાયિક શિક્ષણને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો, અદ્યતન શિક્ષણશાસ્ત્ર અને વાસ્તવિક ઉદ્યોગ જરૂરિયાતોની સાથે સંરેખિત કરવાનો છે.

આ યોજનાને ત્રિપક્ષીય મોડલ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે, જેમાં કેન્દ્ર તરફથી ₹30,000 કરોડ, રાજ્યો તરફથી ₹20,000 કરોડ અને ઉદ્યોગ તરફથી ₹10,000 કરોડ (CSR સહિત) આપવામાં આવશે. આ ભંડોળ થકી આ યોજના અત્યાધુનિક પ્રયોગશાળાઓ સાથેની 200 હબ ITIs, ઇનોવેશન સેન્ટર્સ, ટ્રેનિંગ-ઑફ-ટ્રેનિંગ (ToT) ફેસિલિટીઝ અને 800 સ્પોક ITIs સહિત 1,000 ITIs નું આધુનિકીકરણ કરશે, જે વ્યાપક પહોંચ અને ગુણવત્તાની સમાનતા સુનિશ્ચિત કરશે. વધુમાં, પાંચ નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (NSTIs) ને વૈશ્વિક ભાગીદારો સાથે મળીને નેશનલ  સેન્ટર ઑફ એક્સલન્સ (NCoEs) ની યજમાની માટે અપગ્રેડ કરવામાં આવશે, જે ઉચ્ચ સ્તરીય કૌશલ્ય, અભ્યાસક્રમ નવીનતા અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપશે.

આ વર્કશોપમાં અધિક સચિવ શ્રીમતી સોનલ મિશ્રા, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ આર. રાવ; ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક શ્રી નીતિન સાંગવાન અને ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ; ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ના વાઇસ ચૅરમેન અને સીઈઓ શ્રીમતી પ્રવીણા ડી કે; અને GSDMના એમડી તેમજ કૌશલ્ય વિકાસના ડાયરેક્ટર શ્રી કે જે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં DET, GSDM, RDSDE ના અન્ય વરિષ્ઠ રાજ્ય સરકારના અધિકારીઓ, ITI ના આચાર્યો, ફોરમેન પ્રશિક્ષકો અને સુપરવાઇઝર પ્રશિક્ષકોની હાજરી પણ જોવા મળી હતી.

આ વર્કશોપમાં 36 સંસ્થાઓના ઉદ્યોગ અગ્રણીઓએ ભાગ લીધો હતો, જેમાં NAMTECH, અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન, અરવિંદ લિમિટેડ, એશિયન પેઇન્ટ્સ લિમિટેડ, સેરા સેનિટરીવેર લિમિટેડ, DMG MORI ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ફેસ્ટો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ફ્રોનીયસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ (આદિત્ય બિરલા ઇન્સ્યુલેટરનું એકમ), હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, JSW, MG મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, માઇક્રોન સેમિકન્ડક્ટર, નાયરા એનર્જી લિમિટેડ, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સ્નેડર ઇલેક્ટ્રિક, ટાટા કેમિકલ્સ લિમિટેડ (મીઠાપુર), ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાટા મોટર્સ, વેલ્સપન લિવિંગ લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડ, હિટાચી હાઇ-રેલ પાવર ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ, એસર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, અમેરિકન વેલ્ડીંગ સોસાયટી, FICCI, GIDC લોધિકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII), સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC), ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ટાટા IIS, ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ, કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી જેવી અગ્રણી સંસ્થાઓ અને ઉદ્યોગ સંગઠનોએ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.