અસામાજિક તત્વોએ છરીની અણીએ બે યુવકોને ડરાવી તેમની પાસેથી લૂંટ ચલાવી

પ્રતિકાત્મક
અમદાવાદમાં બે યુવકો પાસેથી ચાકુની અણીએ લૂંટ કરનારા ત્રણ આરોપી ઝડપાયા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં દારુ પીવા એકઠા થયેલા અસામાજિક તત્વોએ છરીની અણીએ બે યુવકોને ડરાવી તેમની પાસેથી લૂંટ ચલાવી હતી, શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પસાર થતા બે યુવકોને રોકી છરીનો ઘા મારી લૂંટ ચલાવીને ૪ આરોપીઓ ફરાર થયા હતા, જેમાંથી ૩ આરોપીઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે.
આ સાથે જ આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં વસ્ત્રાપુર પોલીસે આરોપી વરુણ મેઘવાલ, ક્રિશ કોકાટે અને આશિષ વર્માને કસ્ટડીમાં લીધા છે. આ તમામ આરોપીઓએ બે દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં રાજકુમાર મીણા અને યશપાલ મીણાને રોકી છરીનો ઘા મારી મોબાઈલ, સોનાની બુટ્ટી અને ૩૦ રૂપિયા રોકડા મળી ૩૦,૦૦૦ની લૂંટ ચલાવી હતી.
જે બાદ આરોપીઓ એક જ એકટીવા પર ફરાર થયા હતા. જે એકટીવાના નંબરના આધારે પોલીસે તપાસ કરતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલા ત્રણ આરોપી ઉપરાંત ફરાર આરોપી સુનિલ મીણા એક સાથે દારૂ પીવા બેઠા હતા અને ત્યારબાદ રૂપિયાની જરૂર પડતા બંને રાહદારીને લૂંટી ફરાર થયા હતા.
ઝડપાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તમામ આરોપીઓ છૂટક મજૂરી કરે છે. આ ઉપરાંત જ્યારે પણ રૂપિયાની જરૂર હોય ત્યારે ચોરી અથવા મિલકત સંબંધીત ગુનાને અંજામ આપતા હોય છે. ઝડપાયેલા તમામ આરોપીઓના ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યા છે. જેમાં વરુણ વાડજ પોલીસ સ્ટેશનના ચેન સ્નેચિંગ ના ગુનામાં સંડોવાયેલો છે.
આશિષ વર્મા સરખેજમાં ચોરીના ગુનામાં ઝડપાયો હતો. આ ઉપરાંત ક્રિશ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આરોપીઓ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે. ૨૫ જુલાઈની રાત્રે ૧ઃ૦૦ વાગ્યે ફરિયાદી યશપાલ મીણા તથા તેનો મિત્ર રાજકુમાર મીણા જીએમડીસી પાસેથી પસાર થતા હતા.
તે સમયે આરોપીઓએ યશપાલ મીણા પાસે રહેલા ૩૦,૦૦૦ રૂપિયાની લૂંટ ચલાવી છરી મારી હતી. જે બાદ રાજકુમાર મીણા પાસે રહેલો મોબાઈલ અને સોનાની બુટ્ટીની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી સોનાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.