Western Times News

Gujarati News

ઝડપી નિર્ણય લઈને શિક્ષકોને ભોજન પીરસવા જતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ બચાવ્યા!

આપણે ત્યાં એવી ઉક્તિ પ્રચલીત છે કે ‘ગરીબ કી જોરૂ સબકી ભાભી’ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ શિક્ષકો સાથે આવો જ વ્યવહાર થાય છે.

તેનો તાજો દાખલો(અને પુરાવો પણ) એ છે કે રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહત્વપૂર્ણ મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને ફરજો સોંપવામાં આવી હતી

અને એ અંગે પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો આ વાતની શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખબર પડતાં તેઓએ આ હાસ્યાસ્પદ પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવાના આદેશ આપ્યા હતા.આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા શિક્ષણ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય છે.

વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે પરિપત્ર કરીને આવી કોઈપણ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી એ ઉચિત નથી.તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએથી નિર્ધારિત કરાયેલી ચૂંટણી જેવી મહત્વપૂર્ણ ફરજ સિવાયની કોઇપણ અન્ય જવાબદારી રાજ્યના શિક્ષકોને ભવિષ્યમાં સોંપવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિર્ણય લેવામાં આવશે?.

વર્તમાન સમયમાં સરકારમાં આવા બોલ્ડ અને ઝડપી નિર્ણયો લેવામાં આવતા નથી,એ સંજોગોમાં પ્રફુલ પાનસેરીયાએ કેમ અને કેવી રીતે આવો નિર્ણય લીધો હશે તેનું આશ્ચર્ય થાયછે. પાનસેરીયાના શુભેચ્છકો એવી ચિંતા કરે છે કે પ્રફુલ પાનસેરીયાને આને કારણે કોઈ રાજકીય નુકસાન તો નહીં થાયને!

સંજય જોષીએ કાર્યકરને એવું કેમ કહ્યું હશે કે ‘હમારા સમય આનેવાલા હૈ’ ?

સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ની લીફ્‌ટ પાસે ભા.જ.પ.ના હાલના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા એક દિગ્ગજ નેતા મળી ગયા.પૂછ્યુ કે શું નવાજુની છે

તેના જવાબમાં તેઓએ જણાવ્યું કે ‘દોઢ-બે માસ પહેલા પૂર્વ પ્રદેશ મહામંત્રી સંજય જોષી સંઘ અને ભા.જ.પ.ના નિષ્ઠાવાન આગેવાન અને સાબરકાંઠાના ઇડર તાલુકાના વડાલી હાઇસ્કૂલના પ્રિન્સીપાલ રહેલાં સુરેશ ગાંધીના પત્નીનાં અવસાન નિમિત્તે ખાસ ગુજરાત આવેલાં અને ખાસ્સો સમય રોકાયા હતા.

‘અમે પૂછ્યું કે સંજય જોષી કંઈ બોલ્યા હતા? તો ક્ષણના ય વિલંબ વગર તેઓએ જણાવ્યું કે ‘હાં, સંજય જોષીએ ઉપસ્થિત કાર્યકરોને એવું જણાવ્યું હતું કે ‘હમારા સમય ભી આનેવાલા હૈ’.

હવે સંજય જોષીનાં આ વિધાનનો અર્થ શું કાઢવો એ તો રાજકીય નિરીક્ષકોનો વિષય ગણાય.પણ ઘટનાનુ વૃતાંત નિવેદન કરવું એ પત્રકારની જવાબદારી ગણાય એટલે આ વાત અહીં ઉતારી છે. વાંચકો પોતપોતાના તારણો પણ કાઢી શકે છે હોં!

સરદાર ભવન સચિવાલયમાં પોલીસની બોલબાલા છે

નાયબ સચિવને મળવા (અને સલામ મારવા) આવતા પોલીસ ઇન્સ્પેકટરનુ જીપડુ બ્લોક -૨ની નીચે બાઅદબ પાર્ક થાય.

ગાંધીનગરના સરદાર ભવન સચિવાલયમાં પોલીસ બંદોબસ્ત જડબેસલાક રાખવામાં આવે છે.એમા પણ વાહન ર્પાકિંગ માટે તો સિક્યોરિટી સ્ટાફ દ્વારા અંત્યત જડતાથી વર્તવામાં આવે છે.પણ એમાં પોલીસ ખાતુ કે એનાં અધિકારી કે કર્મચારીઓ સંપૂર્ણ અપવાદ છે.

તેઓ ધારે ત્યાં પોતાના વાહનો મુકી શકે.દા.ત.સ્વર્ણિમ સંકુલ-૧ની બરોબર સામે આવેલાં બ્લોક નંબર-૧ની નીચે મુખ્ય સચિવની કાર પાર્ક થાય તેની બરોબર બાજુમાં સચિવાલયમાં સિક્યુરિટીના ડીવાય.એસ.પી.ની જીપ પણ પાર્ક થાય? સરકારી હોદ્દાના ક્રમને ધ્યાનમાં લઇએ તો મુખ્ય સચિવ પછી ડેપ્યુટી એસ.પી.નો ક્રમ લગભગ ૧૧મો આવે પણ કાર ર્પાકિંગમાં એ બન્ને સમકક્ષ ગણાય.

વિચિત્રતા તો એ છે કે રાજ્યનો ગૃહ વિભાગ બ્લોક નંબર -૨મા બેસે છે એ બ્લોકની નીચે ગૃહ વિભાગનાં નાયબ સચિવ પોતાની કાર પાર્ક ન કરી શકે અને નાયબ સચિવને મળવા (અને સલામ મારવા) આવતા પોલીસ ઇન્સ્પેકટરનુ જીપડુ બ્લોક -૨ની નીચે બાઅદબ પાર્ક થાય. આપણે ત્યાં ‘હાથમાં એનાં મોઢામાં’ એવી કહેવત છે.સરદાર ભવન સચિવાલયની સિક્યોરિટીની વ્યવસ્થા પોલીસ ખાતાનાં હાથમાં છે અને તેને કારણે તેનાં કર્મચારીઓને જલસા છે હોં!

“અંતે સરકારે યુવરાજસિંહની માંગણી સ્વીકારી
સહકાર ક્ષેત્રે પણ હવે સંસ્થાત્મક વ્યવસ્થાનો દોર શરૂ થવાનો છે, સરકારી ભરતી પ્રક્રિયાની જેમ સહકારી ભરતી માટે બોર્ડ અને નીતિ નિયમોથી લેવાશે. આ અંગે યુવા કાર્યકર યુવરાજસિંહ જાડેજાની સતત રજૂઆત કરતા હતા કે (૧)સહકારી સંસ્થાઓમાં ભરતી માટે એક સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ ઉભી કરવી જોઈએ

(૨)ઃ-સરકારી ભરતી બોર્ડની જેમ સહકાર વિભાગ માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષા આધારિત ચોક્કસ નીતિ-નિયમો અને પ્રક્રિયાઓ હોવી જોઈએ(૩)દરેક જિલ્લા કે સંસ્થા પોતાની મરજીથી ભરતી ન કરે, એક બોર્ડ દ્વારા પારદર્શક ભરતી થાય.

આ અંગે યુવરાજસિંહ જણાવે છે કે આજે આનંદ સાથે કહી શકીએ છીએ કે’દેર સે આયે પર દુરસ્ત આયે’ની જેમ ગુજરાતના સહકાર વિભાગે આ રજૂઆતને માન્યતા આપી છે અને આગામી સમયમાં એક નવા ‘સહકારી ભરતી બોર્ડ’ ની રચના કરવાનું નક્કી કર્યું છે. આ ભરતી બોર્ડ સરકાર પાસે રચાવા માટે વારંવાર રજુઆત કરનાર અને એ માટે અનથક પ્રયત્નો કરનાર આંદોલનકારી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અભિનંદનના અધિકારી ગણાય.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલો બધો દારૂ કેમ પકડાય છે?
ગુજરાતમાં દારૂબંધી માત્ર કહેવા પુરતી જ હોય એવું કોકવાર લાગે એવા કિસ્સા બહાર આવતા રહે છે. સમયાંતરે મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાતો રહે છે.રાજ્યમા દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં માંગો ત્યારે દારૂ સરળતાથી મળી રહે છે.

આ ઉપરાંત દારૂની મોટાપાયે હેરાફેરી અને ગેરકાયદે વેચાણ પણ થાય છે.સચિવાલયમાથી મળતા સમાચાર જો સાચા માનીએ તો છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા ૬ હજાર કરોડથી વધુનો દારૂનો અને કેફી દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે.જે કદાચ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના વાર્ષિક બજેટ કરતા પણ વધું હોઈ શકે છે!

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં રૂ.૧૯૧/- કરોડનો વિદેશી દારૂ,રૂ.૨.૮૭/-કરોડનો દેશી દારૂ અને રૂ.૧૧/- કરોડનું બીયર પકડાયું છે.આ સૂચવે છે કે ગુજરાતમાં ડ્રગ્સ પેડલરોનુ નેટવર્ક ખૂબ વ્યાપક રીતે વિકસી ચૂક્યું છે.આ માત્ર કાયદો અને વ્યવસ્થાની વાત નથી.સમાજની બદલાતી તાસીર અને તસવીરની પણ ચિંતા કરવાનો સમય થઈ ગયો છે હોં!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.