હું ના હોત તો ભારત-પાક. વચ્ચે હજી લડાઈ ચાલતી હોતઃ ટ્રમ્પ

લંડન, ભારતે વારંવાર ભારપૂર્વક કરેલાં ઈનકાર છતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો જશ લેવાનો પ્રયાસ કરવાનો એક પણ મોકો ચૂકતા નથી. સોમવારે ટ્રમ્પે ફરી દાવો કર્યાે હતો કે, જો મેં મધ્યસ્થી ના કરી હોત અને વેપાર બંધ કરવાની ધમકી ના આપી હોત તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ હજી પણ ચાલુ હોત.સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીઅર સ્ટાર્મરની સાથે મીડિયાને સંબોધતાં ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સહિત કુલ છ યુદ્ધ બંધ કરાવ્યા હોવાનો જશ લીધો હતો.
હમાસ સાથેની સીઝફાયરની મંત્રણા પડી ભાંગવા અંગેના એક સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે અનેક યુદ્ધવિરામ કરાવી રહ્યાં છીએ. જો હું ના હોત હાલમાં ભારત અને પાકિસ્તાન પણ એકબીજા સાથે લડી રહ્યાં હોત. આ ઉપરાંત અન્ય છ સ્થળોએ ચાલતાં યુદ્ધો પણ અટક્યાં નહોત.
ઘણાં દેશો એકબીજા સાથે લડી રહ્યાં હતાં, મારે મતે તેમાં સૌથી ગંભીર અને મોટું યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું હતું. કારણકે બંને ન્યુક્લિયર ક્ષમતા ધરાવતા દેશો છે. હું ભારત અને પાકિસ્તાન એ બંને દેશોના નેતાઓને સારી રીતે જાણું છું. તેઓ સાથે વેપાર કરારની પ્રક્રિયા ચાલી રહી હોવા છતાં તેઓ પરમાણુ શસ્રોના ઉપયોગની વાતો કરી રહ્યાં હતાં. જે તદ્દન અયોગ્ય છે.
આથી જ મેં તેમને કહ્યું કે, હું તમારી સાથે ટ્રેડ ડીલ નહીં કરું. જોકે તેમને ટ્રેડ ડીલ કરવી હતી આથી તેઓ યુદ્ધ રોકવા તૈયાર થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલાં યુદ્ધ બાદ બંને દેશો વચ્ચે ૧૦મી મેના રોજ યુદ્ધવિરામ અંગે સમજૂતિ થઈ હતી.
પાકિસ્તાની સેનાના ડીજીએમઓ દ્વારા ભારતીય ડીજીએમઓને યુદ્ધવિરામ અંગે કરાયેલી અપીલને પગલે બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા સહમતિ સધાઈ હતી.SS1MS