Western Times News

Gujarati News

ધરોઈ ડેમનું જળસ્તર વધતાં નદીકાંઠાના ૩ર ગામોને એલર્ટ કરાયા

સંભવિત સ્થળાંતર અને બચાવની કામગીરી માટે તંત્રને તાકીદ

મહેસાણા, મહેસાણાના સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ (સાબરમતી જળાશય)ના સ્ત્રાવક્ષેત્રમાં છેલ્લા બે દિવસથી સારા વરસાદના પગલે સોમવારે સવારે જળસ્તર ૮૩.૩૮ ટકાએ પહોચ્યું હતું. ધરોઈ ડેમમાં પાણીની આવક જોતાં સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવનાને લઈ તંત્ર સાબદું બન્યું હતું. જેના પગલે જિલ્લામાં સાબરમતી નદીના કાંઠે આવેલા મહેસાણા જિલ્લાના ચાર તાલુકાના ૩ર ગામોને એલર્ટ કરાયા છે.

હવામાન વિભાગની આગાહીને પગલે ગત શનિવારથી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા સાબરમતી જળાશય યોજના હેઠળના ધરોઈ ડેમના વિશાળ સ્ત્રાવક્ષેત્રમાં સારો વરસાદ પડતા રવિવારે જળ સપાટી ૬૧૬.૭૯ ફૂટે પહોંચતા ડેમ ૮૦.પ૩ ટકા ભરાયો હતો.

સામાન્યતઃ ધરોઈ ડેમની સપાટી ૬૧૮ ફૂટે પહોચે ત્યારે પાણીની આવકને ધ્યાનમાં રાખી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે છે. સતત બે દિવસથી ધરોઈ ડેમમાંથી પાણીની આવક નોંધપાત્ર રહેતા ધરોઈ ડેમના કાર્યપાલક ઈજનેર દ્વારા એલર્ટ સ્ટેજ જાહેર કરી સંબંધિત કલેકટરોને જાણ કરી હતી.

ધરોઈ ડેમમાં રવિવારે સવારે પણ જળ સપાટી વધીને ૮૩.૩૮ ટકાએ પહોંચતા તંત્ર સાબદુ થયું હતું. ઉપરોકત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિવાસી અધિક કલેકટર જશવંત કે. જગોડાની સૂચનાથી જિલ્લા ડિઝાસ્ટર તંત્રએ સાબરમતી નદીના કાંઠે આવેલા જિલ્લાના ચાર તાલુકાના ૩ર ગામોને એલર્ટ કરાયા હતા.

જેમાં સતલાસણા તાલુકામાં ૦૭ ગામ, ખેરાલુ તાલુકામાં ૦૧ ગામ, વડનગર તાલુકામાં ૦૪ ગામ તેમજ વિજાપુર તાલુકામાં ર૦ ગામનો સમાવેશ થાય છે. ઉપરોકત ગામો નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં પાણી છોડવાના લીધે વધનાર સંભવિત જળસ્તરને લઈ જરૂર પડે સ્થળાંતર અને બચાવની કામગીરી માટે સ્થાનિક તંત્રના અધિકારીઓને પણ તાકીદ કરાઈ હતી.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમના પાણીની આવકમાં વધાર થયો છે. ત્યારે જિલ્લા કલેકટરે જાહેરનામું પાડી ઈડર, હિંમતનગર, પ્રાંતિજ તાલુકાના અનેક ગામોને સાવચેત રહેવા તાકીદ કરાઈ છે. ધરોઈ ડેમમાં પાણીનો વર્તમાન જથ્થો અંદાજે ૮૩.૪૩ ટકા છે. જેથી જરૂર પડે સિંચાઈ વિભાગ દ્વારા ડેમના દરવાજા ખોલવામાં આવશે. ચાલુ મહિનામાં ધરોઈ ડેમનું રૂલલેવલ ૬૧૮ ફૂટ જાળવવા માટે સિંચાઈ વિભાગ દ્વારા ગમે ત્યારે દરવાજા ખોલીને ડેમમાંથી પાણી છોડાઈ શકે છે. ધરોઈ ડેમની મહત્તમ સપાટી ૬ર૧.૮પ ફૂટ છે, હાલ ડેમનું રૂલલેવલ માત્ર અડધો ફૂટ દુર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.