Western Times News

Gujarati News

15 દેશોએ ખરીદવામાં રસ દાખવ્યો પાકિસ્તાનમાં તરખાટ મચાવનાર બ્રહ્મોસ મિસાઈલમાં

રક્ષા ક્ષેત્રે ર૦ર૪-રપમાં ભારતની નિકાસ વધીને રૂ.ર૩,૬૬ર કરોડે પહોંચી

નવી દિલ્હી, ઓપરેશન સિંદુર દરમિયાન ભારતની બ્રહ્મોસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલે પાકિસ્તાનમાં ભારે તરખાટ મચાવી દીધો હતો. બ્રહ્મોસ મિસાઈલ પાકિસ્તાનના અલગ-અલગ સ્થાનો પર ત્રાટકી હતી અને દુશ્મન દેશના એરપોર્ટ સહિતના સ્થળોને નેસ્તનાબુદ કર્યા હતા.

રશિયાના અને ભારતના સંયુક્ત સહયોગથી બનેલી બ્રહ્મોસ મિસાઈલની માંગ એશિયાથી લઈને દક્ષિણ અમેરિકા સુધીના ઓછામાં ઓછા ૧૦-૧પ દેશોમાં ઉઠી રહી છે. ટૂંકમાં કહીએ તો આ દેશોએ બ્રહ્મોસ મિસાઈલમાં રસ દાખવ્યો છે. તેમાંથી કેટલા દેશ તેની ખરીદી કરે છે તેનો ખ્યાલ તો આગામી દિવસોમાં આવશે. પરંતુ બ્રહ્મોસને કારણે ભારતીય બનાવટના શસ્ત્રોની નિકાસને આગામી દિવસોમાં વધુ વેગ મળશે તેવી આશા સરંક્ષણ નિષ્ણાંતો રાખી રહયા છે.

આ અંગે આવેલા અહેવાલો મુજબ બ્રહ્મોસ મિસાઈલમાં અલગ અલગ ૧૦ થી ૧પ દેશોએ રસ દાખવ્યો છે પરંતુ ભારતે એક માત્ર ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલની ડીલીવરી કરી હોવાનું કહેવાય છે. ફિલિપાઈન્સે ભારત સાથે ર૦રરના વર્ષમાં અંદાજે ૩૭પ મિલિયન અમેરિકી ડોલરની સમજૂતી કરી છે

હવે અન્ય ૧૦-૧પ દેશોએ બ્રહ્મોસ મિસાઈલમાં રસ દાખવ્યો છે. તેમાંથી કેટલા દેશો આગામી દિવસોમાં બ્રહ્મોસની ખરીદી માટે કરાર કરે છે તે મહત્વનું બની જશે આમેય ભારત તરફથી અગાઉના વર્ષો કરતા શસ્ત્રોની નિકાસ વધી છે. ભારત હવે તો સ્વદેશી બનાવટના હથિયાર બનાવી રહયુ છે અને તેમાં તે ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહયુ છે.

ભારત તરફથી શસ્ત્રોની નિકાસ નાના-મધ્યમ દેશોને વિશેષ થઈ રહી છે. સ્વાભાવિક છે કે અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ જેવા દેશો મુખ્ય નિકાસકાર દેશ છે ભારત પણ ટોચના દેશોની હરોળમાં આવવા તરફ પ્રયત્નશીલ બન્યું છે. આગામી વર્ષોમાં ભારત તેમાં હરણફાળ ભરે તેવી પૂરી શક્યતાઓ નિષ્ણાંતો તરફથી વ્યકત થઈ રહી છે.

દરમિયાનમાં અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતની રક્ષાક્ષેત્રે કુલ નિકાસ ર૦ર૪-રપમાં ર૩,૬૬ર કરોડ થઈ છે જે પાછલા વર્ષમાં ર૧૦૮૩ કરોડ રૂપિયા હતી, આના પરથી સમજી શકાય છે કે રક્ષા ક્ષેત્રે ભારત એક માત્ર આયાતકાર નહી પરંતુ નિકાસકાર દેશ તરીકે અગ્રેસર બનવા તરફ આગળ વધી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.