માનસિક અસ્થિર યુવતી સાથે પરપ્રાંતિય યુવકે દુષ્કર્મ આચર્યું
અમદાવાદ: અમદાવાદ શહેરનાં એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટી પાસેની ઝાડીઓમાં માનસિક અસ્થિર યુવતી સાથે પશ્ચિમ બંગાળના યુવકે દુષ્કર્મ આચરવાના ઇરાદે તેને માર મારી દુષ્કર્મ આચરાયાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે.
આરોપી દ્વારા માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરાયા બાબતે પોલીસે તેણીની તબીબી તપાસ કરાવી મેડિકલ રિપોર્ટ મંગાવ્યો છે. ફરી એકવાર પરપ્રાંતીય યુવકની સંડોવણી દુષ્કર્મના કેસમાં સામે આવતાં નાગરિકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી.
બીજીબાજુ, સોલા પોલીસે પશ્ચિમ બંગાળના વતની એવા આરોપી યુવક રાજકુમાર મંડલની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના એસજી હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટી પાસે આવેલા તિરૂપતિ આકૃતિ ગ્રીન બાજુની ઝાડીઓ પાસેથી કેટલાક યુવકો રોડ પરથી પસાર થતા હતા તે દરમ્યાન ઝાડીઓમાં કાંઇક અજુગતુ થતું હોવાની તેઓને શંકા ગઇ હતી. એટલામાં પીડિતા યુવતીનો અવાજ આવતાં યુવકોએ ઝાડીઓમાં આગળ નજર કરી જાયુ
તો, ત્યાં જમીન પર નગ્ન હાલતમાં એક યુવતી લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. તેની સાથે આરોપી યુવક પણ નગ્ન હાલતમાં હતો. યુવકોએ આરોપીને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
પોલીસે પૂછપરછ કરી પણ તે કાંઇ બોલી શક્તી ન હતી અને માનસિક અસ્થિર જેવી જણાઈ હતી. સોલા પોલીસે યુવતી સાથે પકડાયેલા યુવક રાજકુમાર મંડલ (ઉ.વ. ૩૦, રહે. મૂળ પશ્ચિમ બંગાળ)ની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પીડિતાની તબીબી તપાસ કરી મેડિકલ રિપોર્ટ મંગાવ્યો છે, હાલ તેણી સારવાર હેઠળ છે. સોલા પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રાજકુમાર મંડલ અહીં છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હોવાની વાત સામે આવી છે.