Western Times News

Gujarati News

ભરૂચમાં નવનિર્મિત એસ.ટી ડેપોમાં મફત શૌચાલયના નામે ઉઘરાણાં?

(પ્રતિનિધિ) ભરૂચ,ભરૂચના નવનિર્મિત સિટી સેન્ટર સ્થિત એસ.ટી બસ ડેપોમાં આવેલી શૌચાલય સુવિધા મુદ્દે ગંભીર વિવાદ સામે આવ્યો છે.સરકારી નીતિ મુજબ મફત હોવી જોઈએ તેવી આ સુવિધા માટે કોન્ટ્રાક્ટર દ્વારા મુસાફરો પાસેથી પેશાબ કરવાના રૂપિયા ૨ અને શૌચક્રિયા માટે રૂપિયા ૫ ની વસૂલાત કરવામાં આવી રહી છે.

આશ્ચર્યજનક રીતે, આ વસૂલાત માટે કોઈ પાવતી પણ આપવામાં આવતી નથી, જે પ્રશાસનની પારદર્શિતા પર સીધા સવાલ ઉભા કરે છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, ડેપોમાં આવતા વિદ્યાર્થીઓ પાસેથી પણ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે.

જ્યારે મીડિયા પ્રતિનિધિએ પૈસા ઉઘરાવતી વ્યક્તિને આ અંગે પૂછપરછ કરી ત્યારે તેણે ખુલાસો કર્યો કે, “મારા શેઠએ મને સ્પષ્ટ સૂચના આપી છે કે, પેશાબ માટે રૂપિયા ૨ અને બાથરૂમ માટે રૂપિયા ૫ લેવાના છે.” જોકે, આ મુદ્દે વધુ સ્પષ્ટતા મેળવવા માટે જ્યારે શૌચાલયના કોન્ટ્રાક્ટરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ગોળગોળ જવાબ આપતા કહ્યું કે, “સાહેબ, અમે સફાઈ માટે પૈસા લઈએ છીએ, બાકી પેશાબ કરવાના પૈસા નથી લેતા.”

કોન્ટ્રાક્ટરનો આ જવાબ તેમની ઉઘરાણીની ન્યાયસંગતતા સામે મોટા સવાલો ઊભા કરે છે, કારણ કે નિયમ મુજબ શૌચાલય જેવી મુખ્ય જનસુવિધાઓ કાં તો મફત હોવી જોઈએ અથવા નિયમિત દરખાસ્ત પ્રમાણે યોગ્ય નોટિસ બોર્ડ અને પાવતીની વ્યવસ્થા સાથે ચલાવવી જોઈએ. વર્તમાન સ્થિતિમાં, ડેપોમાં ન તો કોઈ નોટિસ બોર્ડ છે. જેમાં દર દર્શાવેલા હોય,ન તો કોઈ પાવતીની વ્યવસ્થા છે, જે દંડયોગ્ય બાબત બની શકે છે.

મેનેજરનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, “પેશાબ કરવાના કોઈ રૂપિયા હોતા નથી.એ સેવા ફ્રીમાં હોય છે.” તેમણે ઉમેર્યું કે તેઓ આ મામલે તપાસ કરીને કોન્ટ્રાક્ટરને નોટિસ આપશે. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે, કેવી રીતે સામાન્ય જનતા પાસેથી મફત મળતી સુવિધાના નામે ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે.

હવે જોવું એ રહ્યું કે, ડેપો મેનેજરની તપાસ અને નોટિસ બાદ કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં લેવાય છે અને શું ભરૂચના નાગરિકોને આ ગેરકાયદેસર વસૂલાતમાંથી મુક્તિ મળશે કે કેમ.આ મુદ્દે સ્થાનિક ટ્રાન્સપોર્ટ અધિકારીઓ, તંત્ર અને સંબંધિત કોન્ટ્રાક્ટરે તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને જરૂરી પગલાં ભરવા જોઈએ જેથી સામાન્ય જનતાની સમસ્યાઓ દૂર થઈ શકે અને ડેપોમાં પારદર્શિતા જળવાઈ રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.