સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે ધારાધોરણ કરતા વધુ ફી વસૂલીઃ ફી પરત કરવા આદેશ

પ્રતિકાત્મક
હવે આ મામલે ફી રેગ્યુલેશન કમિટી દ્વારા આ સ્કૂલને એક નોટીસ આપીને વધુ ફી લેવા અંગે ખુલાસો માગવામાં આવ્યો છે
અમદાવાદ, ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા મનફાવે તેમ ફી ઉઘરાવવાનો મુદ્દે ફરીવાર સામે આવ્યો છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રાથમિક વિભાગને નિયત ધોરણ કરતાં વધુ ફી વસૂલવા અંગે શિક્ષણાધિકારી બાદ ફી રેગ્યુલેશન કમિટીએ નોટીસ ફટકારીને ખુલાસો માંગ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા નિયત ધારાધોરણ કરતા વધુ ફી વસૂલવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદો મળી હતી.
જે અંતર્ગત તપાસ શરૂ કરાઈ હતી. હવે આ મામલે ફી રેગ્યુલેશન કમિટી દ્વારા આ સ્કૂલને એક નોટીસ આપીને વધુ ફી લેવા અંગે ખુલાસો માગવામાં આવ્યો છે. આ સ્કૂલ દ્વારા ૨૨ હજારની જગ્યાએ ૩૯ હજાર રૂપિયા ફી વસૂલી હતી. જેની ફરિયાદો અધિકારીઓ સુધી પહોંચી હતી. જેથી સ્કૂલ દ્વારા જો વધુ ફી લેવાતી હોવાનું ધ્યાને આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને ૪૦ હજાર રૂપિયાની ફીમાં ઘટાડો કરીને ૨૨ હજાર રૂપિયા ફી લેવાનો આદેશ કરાયો હતો. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદો મળી હતી.
જેમાં સ્કૂલ દ્વારા ૨૨ હજારને બદલે ૩૯ હજાર રૂપિયા ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ કરાઈ હતી. જેથી શિક્ષણાધિકારીએ સ્કૂલને નોટીસ ફટકારીને જવાબ માંગ્યો હતો. ત્યાર બાદ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા પણ સ્કૂલને નોટીસ ફટકારીને ખુલાસો માગવામાં આવ્યો છે. આ ઉપરાંત વધારાની લીધેલી ફી પરત કરવા આદેશ કરાયો છે. નવા શૈક્ષણિક સત્રમાં પણ નિયમ અનુસાર જ ફી વસૂલવા સૂચના અપાઈ છે.