અમદાવાદ-મુંબઈ હાઇવે પર વડોદરા દુમાડ ચોકડી પર આડેધડ થયેલા દબાણો ખસેડાયા

દુમાડ ચોકડી અને હાઇવેના વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ -લારી-ગલ્લા, પથારા ખુમચાના દબાણો અને આડેધડ થતા વાહન પાર્કિંગ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી
વડોદરા, અમદાવાદ-મુંબઈ હાઇવે પર વારંવાર થતાં ટ્રાફિકજામથી વાહનોની લાંબી કતારો લાગે છે ત્યારે શહેરના ઉત્તર છેવાડે આવેલા ધુમાડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ, પાલિકાની દબાણ શાખાની ટીમ અને સીટી પોલીસ અને હાઇવે ઓથોરિટીના સંયુક્ત અભિયાન હેઠળ લારી-ગલ્લા, પથારા ખુમચાના દબાણો અને આડેધડ થતા વાહન પાર્કિંગ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે હાઇવે પર પણ આડેધડ થતા વાહન પાર્ક બાબતે હાઇવે ઓથોરિટીએ કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાની દબાણ શાખાએ ગેરકાયદે દબાણો હટાવીને બે ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો. આ મહા અભિયાનમાં તમાશો જોવા ઊમટેલા લોક ટોળાને પોલીસ કાફલાએ ખદેડી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે જાંબુઆ બ્રિજ નજીક નજીક વડોદરા-મુંબઈ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા આ અંગે કેન્દ્રીય રોડ રસ્તા મંત્રી ગડકરીને રજૂઆત કરાઈ હતી. આમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી થઈ હતી. પરિણામે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કરેલી રજૂઆત બાદ હાઈવે ઓથોરિટીને કડક ચિમકી આપવામાં આવી હતી.
દરમિયાન આજે સવારથી જ શહેરના ઉત્તર વિભાગના ધુમાડ ચોકડી ખાતે દબાણ શાખાની ટીમ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ટ્રાફિક પોલીસની ટીમ, સીટી પોલીસના અધિકારીઓ સાથેની ટીમ ત્રાટકી હતી. પરિણામે ગેરકાયદે દબાણ કરનારાઓ પોતાનો માલ સામાન લઈને ભાગવા માંડ્યા હતા.
જ્યારે બીજી બાજુ લારી-ગલ્લા, પથારા ખુમચા હટાવીને તેનો માલ સામાન કબજે કર્યો હતો. તથા બનાવાયેલા કાચા શેડ નીચે વેપાર ધંધો કરનારાના શેડ પણ દબાણ શાખા દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુ ટ્રાફિક પોલીસે ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને રોડ રસ્તા પર આડેધડ પાર્ક કરાયેલા નાના-મોટા વાહનચાલકોને મેમો ફટકારીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે બીજી બાજુ એક્શનમાં આવેલી હાઇવે ઓથોરિટી દ્વારા પણ અમદાવાદ મુંબઈ હાઇવે પર ગેરકાયદે પાર્ક કરાયેલા વાહન ચાલકોને પણ મેમો. ફટકારી દંડનીય કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આવી જ રીતે સંયુક્ત અભિયાન ગોલ્ડન ચોકડી અને આસપાસના વિસ્તારમાં કરાયા બાદ ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક ન થાય માટે અવારનવાર થતા ગેરકાયદે દબાણ અંગે આજે પણ મહા અભિયાન અમલમાં મુકાયું હતું.