Western Times News

Gujarati News

ષડયંત્ર હેઠળ ‘ભગવા’ને બદનામ કર્યો, આજે ‘ભગવા’ની જીત થઈ

File Photo 29-09-2008

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટનો ચુકાદો સાધ્વી પ્રજ્ઞા સહિત સાતેય આરોપી નિર્દોષ

પીડિતોના વકીલ શાહિદ નવીન અંસારીએ કહ્યું, અમે એનઆઈએ કોર્ટના નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ કરીશું. તપાસ એજન્સીઓ અને સરકાર આ કેસમાં નિષ્ફળ ગઈ છે.

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું- કોઈ પણ સ્વેચ્છાએ અમારી સાથે ઉભું રહ્યું નહીં. હું જીવિત છું કારણ કે હું સંન્યાસી છું. તેમણે ષડયંત્ર હેઠળ ભગવાને બદનામ કર્યો. આજે ભગવા જીત્યો છે, હિન્દુત્વ જીત્યું છે અને ભગવાન દોષિતોને સજા કરશે. જોકે, ભારત અને ભગવાને બદનામ કરનારાઓને તમે ખોટા સાબિત કર્યા નથી. મને ત્રાસ આપવામાં આવ્યો હતો. આનાથી મારું આખું જીવન બરબાદ થઈ ગયું.

મુંબઈ, મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એનઆઈએ સ્પેશિયલ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં ૭ મુખ્ય આરોપી હતા. જેમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પ્રસાદ પુરોહિત, રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સુધાકર ચતુર્વેદી, સમીર કુલકર્ણી અને સુધાકર ધર દ્વિવેદીનો સમાવેશ થાય છે. પીડિતોના વકીલ શાહિદ નવીન અંસારીએ કહ્યું, અમે એનઆઈએ કોર્ટના નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ કરીશું. તપાસ એજન્સીઓ અને સરકાર આ કેસમાં નિષ્ફળ ગઈ છે.

માલેગાંવમાં ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ વિસ્ફોટ થયો હતો, જેમાં ૬ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. લગભગ ૧૭ વર્ષ પછી આવેલા ચુકાદામાં ન્યાયાધીશ એકે લાહોટીએ કહ્યું હતું કે તપાસ એજન્સી આરોપો સાબિત કરી શકી નથી, તેથી આરોપીઓને શંકાનો લાભ મળવો જોઈએ.

ન્યાયાધીશ લાહોટીએ કહ્યું હતું કે વિસ્ફોટ થયો હતો, પરંતુ એ સાબિત થયું નથી કે મોટરસાઇકલમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. એ પણ સાબિત થયું નથી કે મોટરસાઇકલ સાધ્વી પ્રજ્ઞાના નામે હતી. એ પણ સાબિત થઈ શક્યું નથી કે કર્નલ પ્રસાદ પુરોહિતે બોમ્બ બનાવ્યો હતો.

આ કેસનો નિર્ણય ૮ મે, ૨૦૨૫ના રોજ આપવાનો હતો, પરંતુ પછી કોર્ટે એને ૩૧ જુલાઈ સુધી અનામત રાખ્યો હતો. માલેગાંવ બ્લાસ્ટ કેસની પ્રારંભિક તપાસ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરવામાં આવી હતી. ૨૦૧૧માં કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. એનઆઈએએ ૨૦૧૬માં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં ૩ તપાસ એજન્સીઓ અને ૪ ન્યાયાધીશ બદલાયા છે.

પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કહ્યું- અમે કોર્ટના નિર્ણયથી ખુશ છીએ. હવે અમારો ઈરાદો નથી કે હિન્દુ સમાજ કલંકિત થાય. હવે મોદીજી છે, અમિત શાહજી છે. મહારાષ્ટ્રના ઘણા પોલીસ અધિકારીઓએ મને કહ્યું હતું કે પ્રજ્ઞા પર અત્યાચાર થઈ રહ્યા છે, પછી હું તેને મળવા ગઈ હતી.

એનઆઈએસ્પેશિયલ કોર્ટમાં ન્યાયાધીશ એકે લાહોટીએ કહ્યું- આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ નૈતિક આધાર પર સજા થઈ શકે નહીં. ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો કે જે બાઇક પર બોમ્બ મૂકવામાં આવ્યો હતો તે પ્રજ્ઞાની હતી. ટુ-વ્હીલરના ચેસિસનો સીરીયલ નંબર ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા સંપૂર્ણપણે પ્રાપ્ત થયો ન હતો, તેથી ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો કે ઠાકુર તે ટુ-વ્હીલરનો માલિક હતો.

કોર્ટે કહ્યું- કોઈ પુરાવા મળ્યા નથી કે લેફ્‌ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતે કાશ્મીરથી ઇડ્ઢઠ મંગાવ્યો હતો અથવા બોમ્બ બનાવ્યો હતો. પુરોહિત અને અન્ય આરોપી અજય રાહિરકર વચ્ચે અભિનવ ભારતના અધિકારીઓ તરીકે નાણાકીય વ્યવહારો હોવા છતાં, પુરોહિતે તે પૈસાનો ઉપયોગ ફક્ત તેના ઘર અને એલઆઈસી પોલિસીના બાંધકામ માટે કર્યો હતો અને કોઈ આતંકવાદી પ્રવૃત્તિ માટે નહીં. અન્ય આરોપીઓ સાથે કાવતરું ઘડ્‌યાના કોઈ પુરાવા નથી.

પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કહ્યું- ‘તમને ખબર નથી કે આજની ખુશી માટે અમે કેટલું દુઃખ સહન કર્યું છે. જ્યારે કોઈ જતું નહોતું, ત્યારે હું પ્રજ્ઞાને મળવા નાસિક જેલ ગઈ હતી.’ આટલું કહીને ઉમાના આંસુ વહી આવ્યા.

ઉમાએ આગળ કહ્યું- તમને ખબર નથી કે પ્રજ્ઞાએ કેટલી સર્જરી કરાવી છે. પ્રજ્ઞાનું શરીર બરબાદ થઈ ગયું હતું. તે સૂર્યની જેમ ચમકી રહી હતી અને હું રડી રહી હતી. તેણીએ મને સાંત્વના આપી અને મારા આંસુ લૂછ્યા. તેણીએ કહ્યું- દેશવાસીઓને કહો કે મેં હિન્દુ ધર્મને કલંકિત થવા દીધો નથી. પછી મને શીખ સમુદાયના સાહિબઝાદે યાદ આવ્યા. ગુરુ અંગદ દેવ, ગુરુ અર્જન દેવ, ગુરુ ગોવિંદ સિંહ જેમણે મુઘલોના શાસનમાં યાતનાઓ સહન કરી હતી.

કોંગ્રેસના શાસનમાં અમારે તે યાતનાઓ સહન કરવી પડી હતી. જજ એકે લાહોટીએ ચુકાદો સંભળાવતા કહ્યું- આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. કોઈપણ ધર્મમાં હિંસાને મંજૂરી નથી. નૈતિકતા કે જાહેર અભિપ્રાયના આધારે ન્યાય આપી શકાય નહીં.

ફરિયાદ પક્ષ સાબિત કરી શક્યો નહીં કે વિસ્ફોટકો સાથેની બાઇક સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની હતી. આરડીએક્સ ક્યાં રાખવામાં આવ્યું હતું તેના કોઈ નક્કર પુરાવા નથી. અભિનવ ભારત સંગઠનના પૈસાનો ઉપયોગ આતંક ફેલાવવા માટે થયો હોવાના પણ કોઈ પુરાવા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.