સુરતમાં ડીસ્ક્વોલિફાય થયેલી 4 સિકયોરીટી કંપનીઓ માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને લાલ જાજમ બીછાવી

પ્રતિકાત્મક
સિકયોરીટી ગાર્ડ અને બાઉન્સરો માટે વાર્ષિક રૂ.પ૦ કરોડના ત્રણ વર્ષની મુદતના ટેન્ડર મંજુર-ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયની ભૂમિકા વિવાદાસ્પદ હોવાની ચર્ચા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કૌભાંડ અને ભ્રષ્ટાચાર હવે સામાન્ય બાબત બની ગયા છે. સ્ટેન્ડિગ કમિટીની ગુરૂવારે મળેલી બેઠકમાં સિકયોરીટી માટેના વાર્ષિક રૂ.પ૦ કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે.
જેમાં ચોંકાવનારી બાબત એ છે કે ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકાએ જે ચાર કોન્ટ્રાકટરોને ડીસ્કવોલિફાય કર્યાં હતા તે ચાર કોન્ટ્રાકટરો માટે ભાજપ શાસિત અમદાવાદ મહાનગરપાલિકાએ લાલ જાજમ બીછાવી છે. આ સમગ્ર કૌભાંડ બહાર આવતા તપાસ કરવામાં આવશે તેવા નિવેદન કરી સમગ્ર કૌભાંડ પર ઢાંકપીછોડો કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં સિકયોરીટી ગાર્ડ અને બાઉન્સરો માટે વાર્ષિક રૂ.પ૦ કરોડના ત્રણ વર્ષની મુદતના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. ટેન્ડર શરત મુજબ ૬ જ કંપનીઓને કામ આપવાનું હતું પરંતુ ‘સબકા સાથ સબકા વિકાસ’ સુત્રને યથાર્થ કરતા હોય તેમ ૧પ કંપનીઓને કામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં સુરત મહાનગરપાલિકાએ ખોટા દસ્તાવેજો રજુ કરવા બદલ જે ચાર કંપનીઓ શિવ સિકયોરીટી, શક્તિ સિકયોરીટી, શક્તિ પ્રોટેકશન અને એમ.કે. સિકયોરીટીને ડીસ્કવોલિફાય કરી હતી તે કંપનીઓને પણ કામ આપવામાં આવ્યા છે.
નોંધનીય બાબત એ છે કે શક્તિ સિકયોરીટી સામે સુરત મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ છેતરપીંડીની પોલીસ ફરિયાદ પણ કરી છે તેમ છતાં ભાજપ શાસિત અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડિગ કમિટીએ આ કંપનીઓને કામ આપવા નિર્ણય કર્યો છે. સુત્રોનું માનીએ તો આ ચાર કંપનીઓને કામ મળે તે માટે ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયના સતત પ્રયાસ રહયા હતા.
સુરત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ડીસ્કવોલિફાય કરવામાં આવેલ ચાર કંપનીઓને શા માટે કામ સોંપવામાં આવ્યું છે તેના પ્રશ્નના જવાબમાં ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સુરત કોર્પોરેશન તરફથી કોઈ જ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી તેમજ કોન્ટ્રાકટરોએ સુરત મહાનગરપાલીકા સામે કોર્ટ કેસ પણ કર્યો છે.
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું ડેપ્યુટી કમિશનરને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદની ખબર નથી કે પછી અન્ય ‘વહીવટી’ પ્રક્રિયા કામ કરી ગઈ છે ? તદઉપરાંત ભાજપ શાસિત સુરત મહાનગરપાલીકા સામે જે કોન્ટ્રાકટરોએ કોર્ટ કેસ કર્યો છે તે ચાર કંપનીઓને જ ભાજપ શાસિત અમદાવાદ મહાનગરપાલીકા તરફથી કામ શા માટે આપવામાં આવી રહયું છે ?
સ્ટેન્ડિગ કમિટિના આંતરિક સુત્રોનું માનીએ તો ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયે આ મામલે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન સમક્ષ કોઈ જ સ્પષ્ટ ચોખવટ કરી નથી તેમણે માત્ર આ કંપનીઓ સુરતમાં બ્લેકલીસ્ટ નથી તેમ જણાવ્યું હતું. પરંતુ સુરત કોર્પોરેશનમાં આ ચાર કંપનીઓને ડીસ્કવોલિફાય કરવામાં આવી છે તેમજ તેની સામે પોલીસ કેસ થયો છે તે બાબત પર ઢાંક પીછોડો કર્યો હતો.
તદઉપરાંત મહત્વની બાબત એ છે કે ભાજપના હોદ્દેદારો સામે કોર્ટ કાર્યવાહી કરી હોવા છતાં તેનાથી પણ સ્ટેન્ડિગ કમિટી ચેરમેનને અજાણ રાખવામાં આવ્યા હતાં અને આ ચારેય કોન્ટ્રાકટરોની મેટર કોર્ટમાં હોવા છતાં અમદાવાદમાં કામ મળે તે માટે ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાય શા માટે પ્રયાસ કરી રહયા હતા તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે.