શાસક અને વિપક્ષ વચ્ચે એક બીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા ભરૂચ પાલિકામાં મામલો ગરમાયો

ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભા ભ્રષ્ટાચારના મુદ્દે તોફાની બની
આઈકોનિક રોડ અને હાઈ માસ્ટ પોલના મુદ્દે વિપક્ષ આક્રમક: રાષ્ટ્ર ગીતની આડમાં ચર્ચાથી શાસકો ભાગતા હોવાનો વિપક્ષનો આક્ષેપ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા વિપક્ષના આઈકોનિક રોડ તેમજ હાઈ માસ્ટ પોલના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિપક્ષની આક્રમકતાથી તોફાની બની હતી. તો સેનેટરી ઈન્સ્પેક્ટર દ્વારા જાતિવાદ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડ ખાતે મળી હતી. જેના પ્રારંભે પાલિકા વિપક્ષના સભ્ય સલીમ અમદાવાદીએ શહેરની સમસ્યાઓ અંગે તેઓએ પાઠવેલ પત્રના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.
જેમાં શાસક પક્ષ દ્વારા અંતમાં આ મુદ્દે ચર્ચાનો સમાવેશ કરવાનું કહી વિપક્ષી સભ્યોને શાંત પાડ્યા હતા. જે બાદ એજન્ડા પરના વિવિધ ૨૯ મુદ્દાઓ પર ચર્ચા શરું થઈ હતી.
વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાશ્વ મેઘ ઘાટ સ્મશાન ખાતે લાગણી દુભાઈ તે હદે ગંદકી હોવાનું જણાવી પાલિકા દ્વારા સ્વછતા અંગે ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત કરતા તમામે તે માટે સહમતિ દર્શાવી હતી. જે બાદ આઈકોનિક રોડ તેના પોલ તેમજ વોર્ડ નંબર ૬ ના હાઈમાસ્ટ પોલ સ્પેસિફિકેશન મુજબના ન હોવાનું જણાવી શાસક પક્ષને ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરી તપાસ સમિતિ નિમવાની માંગ કરતા શાસક અને વિપક્ષ વચ્ચે એક બીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો.
તે દરમ્યાન શાસક પક્ષ દ્વારા એજન્ડા પરના તમામ કામોને બહુમતીના જોરે મંજૂરીની મ્હોર મારવા સાથે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવામાં આવતા વિપક્ષ દ્વારા રાષ્ટ્રગીતની આડમાં શાસકો ચર્ચા કરવાથી ભાગી ગયા હોવાના આક્ષેપ કરાયા હતા.
વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદે રાષ્ટ્રવાદી કહેતા ભાજપના લોકો ખોટી રીતે રાષ્ટ્રગીતની આડમાં ચર્ચાથી ભાગી ગયા છે.આ મુદ્દે રિજિયોનલ કમિશ્નર સમક્ષ પાલિકાના ૨૮૫ એક્ટ હેઠળ ફરિયાદ વિપક્ષ ધ્વારા આપવામાં આવશે તેમ જણાવવા સાથે તેઓએ રંગ ઉપવનના વિકાસ માટે વીસ વર્ષ થી સપના બતાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
વિપક્ષના સભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ પણ ભાજપના સભ્યો ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચાથી ભાગી ગયા છે.શહેરની સમસ્યાઓ અંગે તેઓની લેખિત રજૂઆતને ચર્ચામાં સમાવેશ કરવાની ખાતરી આપી હતી પણ ભ્રષ્ટાચારની વાત આવતા ખોટી રીતે સભા પૂર્ણ કરી દીધું હોવાનો આક્ષેપ કર્યો હતો.
તો બીજી તરફ વોર્ડ નંબર ૧૦ ના નગરસેવક સદીકાબીબી શેખે સામાન્ય સભામાં આક્ષેપ કર્યો હતો કે વોર્ડના સ્થાનિકો સફાઈ માટે સેનેટરી ઈન્સ્પેક્ટરને જણાવતા સેનેટરી ઈન્સ્પેક્ટર જાતિવાદ અને પાકિસ્તાન જતા રહોનું જણાવતા તેઓની આ ગેરવર્તણૂક કરતા હોવાનું જણાવી તેઓની અન્ય વોર્ડમાં બદલી કરવાની માંગ કરી હતી.
જોકે વિપક્ષના આક્ષેપોને ફગાવી દઈ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે વિપક્ષ દ્વારા ચૂંટણી આવતી હોવાથી ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરી તેઓના પક્ષ અને પાલિકાને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી આઈકોનિક રોડ કે હાઈ માસ્ટમાં ગેરરીતિ ધ્યાને આવતા જ કાર્યવાહી કરવામાં આવી છે અને બીજા કામમાં પણ જો ગેર રીતિ જણાય આવે તો અધિકારી કે કોન્ટ્રાક્ટ સામે કાર્યવાહી કરવામાં આવે જ છે.
તોફાની બનેલ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ,રાજશેખર દેશવર, લાઈટ કમિટી ચેરમેન અર્પણ જોશી તો વિપક્ષ માંથી સમસાદઅલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા.